Weather Update: હાલ દેશભરમાં વરસાદી માહોલ છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની શક્યતા નહીવત

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ તો રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે. હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી હવામાન પ્રણાલીઓ સક્રિય છે.

26 ટકા વરસાદની ઘટ નોંધાઈ

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 510.7 મીમી વરસાદ નોંધાયો છે. તેમ છતાં ગુજરાતમાં હજુ 2 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની ઘટ વધુ છે, જ્યાં હજુ 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 

જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યના ખેડૂતો અને લોકો માટે આગામી દિવસોમાં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલની હવામાન સ્થિતિને જોતા રાજ્યમાં સારા અને વ્યાપક વરસાદ માટે હજુ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે.


આ પણ વાંચો: Vadodara: ઓ બાપરે... જોઈને જ ઉલટી થઈ જશે, વડોદરાના હરિઓમ કાઠિયાવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય!