હળવદ તાલુકા ગ્રામ્યની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના મોટાભાઈ કિડની અને લીવરની બીમારીમાં સપડાઈ જતા નાણાકીય જરૂરત ઉભી થતા અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી દર મહિને ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજના વિષચક્રમાં ફ્સાઈ જતા વ્યાજખોરોએ શિક્ષકના બે એક્ટિવા, મોટર સાયકલ અને મકાન પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરતા 4 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ત્રણ વ્યાજખોરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં રહેતા અને નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ભીમજીભાઈ પારેજીયા નામના શિક્ષકે હળવદના વ્યાજખોર પ્રભુભાઈ રબારી, ભરત રબારી, હરદીપ ઉર્ફે મુનાભાઈ લાવડીયા અને આરોપી જયદેવ ગઢવી રહે. તમામ હળવદ વાળાઓ વિરુદ્ધ 10થી 30 ટકા ઉંચા વ્યાજે વગર લાયસન્સે નાણાં ધીરી પઠાણી ઉઘરાણી કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી રાજેશભાઈએ જાહેર કર્યું હતું કે, તેમના મોટાભાઈને લીવર અને કિડનીની ગંભીર બીમારીના ખર્ચને પહોંચી વળવા બે વર્ષ પૂર્વે આરોપી પ્રભુ રબારી પાસેથી રૂ. 70 હજાર 30 ટકા ઉંચા વ્યાજે લીધા બાદ વ્યાજના ચક્કરમાં ફ્સાઈ જતા બાદમાં અન્ય આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીનું મોટર સાયકલ તેમજ તેમના પત્નીના માલિકીના બે એક્ટિવા પડાવી લઈ તેમનું મકાન પડાવી લઈ દસ્તાવેજ કરાવી લઈ દર મહિને 3 હજાર મકાન ભાડુ વસુલ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ આરોપી પ્રભુ જહાભાઈ રબારીએ અગાઉ મર્ડર કર્યું હોય તેમના પુત્રને છરી બતાવી વ્યાજની ઉઘરાણી કરી આરોપીઓએ કોરા ચેક પડાવી લઈ જાનથી મારવા ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપી પ્રભુભાઇ જહાભાઇ કરોત્રા (રહે. હરિદર્શન સોસાયટી હળવદ), હરદીપ ઉર્ફે મુનાભાઇ સવાભાઇ લાવડીયા(રહે. રૂદ્ર ટાઉનશીપ-1, હળવદ) અને જયદેવ મનહરદાન દેવકા(રહે. સ્વામિનારાયણનગર હળવદ)ની ધરપકડ કરી છે અને આ ગુનામાં આરોપી ભરતભાઇ રાણાભાઇ રબારીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.


  • Follow us on: