આજે ધનતેરસના પાવન પ્રસંગે જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ મંદિર જૂનાગઢવાસીઓ તેમજ આસપાસના અનેક લોકો માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર બન્યું છે. દિવાળીના 5 દિવસ દરમિયાન અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે.
જૂનાગઢના નવાબ દ્વારા પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો
આશરે 300 વર્ષ પૂર્વે આ મંદિરનો પાયો નખાયો હતો, જેનો ઈતિહાસ અતિ રોચક છે. આ વિસ્તારમાં એક મકાનમાંથી ખોદકામ દરમિયાન દીવા સાથે જોડાયેલી માતાજીની મૂર્તિ મળી આવી હતી. ભારે આસ્થાથી આ વિસ્તારના લોકોએ મંદિર બનાવી તેની સ્થાપના કરી. કાળક્રમે જૂનાગઢના નવાબ દ્વારા પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મૂર્તિની વિશેષતા એ છે કે આ માતાજીનું બાળ સ્વરૂપ છે અને મૂર્તિ કમળ ઉપર બિરાજમાન છે. નવાબના સમયમાં જીર્ણોદ્ધાર થયો ત્યારે મંદિરના દરવાજા ચાંદીના કરવામાં આવ્યા હતા. માતાજી જે આસન પર બિરાજમાન છે, તે આસન પણ ચાંદીના કમળ સાથે બનાવવામાં આવ્યું છે, તેમજ માતાજીના વાહન હાથી પણ ચાંદીના રાખવામાં આવ્યા છે, જે મંદિરની ભવ્યતામાં વધારો કરે છે.
દિવાળીના 5 દિવસ દરમિયાન અહીં મેળા જેવો માહોલ
આ અતિ પૌરાણિક મંદિર હોવાથી દિવાળીના 5 દિવસ દરમિયાન અહીં મેળા જેવો માહોલ હોય છે. લોકો શ્રદ્ધા અને ભક્તિભાવથી દર્શન કરી પોતાના દુઃખ દૂર થાય અને મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. આ મંદિરમાં વર્ષ દરમિયાન અલગ-અલગ ઉત્સવો ઉજવાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ જણાવે છે કે મહાલક્ષ્મી માતાજી રિદ્ધિ-સિદ્ધિ આપનારી, તેમજ ધન, વૈભવ અને યશ આપનારી છે અનેક શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ લઈને અહીં આવે છે અને માતાજીની આરાધનાથી તેમનો પરિવાર સુખમય અને આરોગ્યપ્રદ રહે છે. કેટલાય લોકોની મનોકામનાઓ માતાજીએ પૂર્ણ કરી છે. બાળ સ્વરૂપે બિરાજતા માતાજીની મૂર્તિ અતિ મનમોહક છે. દિવાળીના પાંચ દિવસોમાં વેપારીઓ પણ સવારે દર્શન કર્યા બાદ જ પોતાના કામ ધંધે ચડે છે, અને મા લક્ષ્મીના આશીર્વાદથી તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થયાનો અહેસાસ કરે છે.
આમ, જૂનાગઢનું આ મહાલક્ષ્મી મંદિર અતિ પૌરાણિક અને તરત જ વરદાન દેનારું મંદિર હોવાની પ્રબળ માન્યતા છે. આજે ધનતેરસના દિવસે સૌ શ્રદ્ધાળુઓ મા લક્ષ્મી માતાજી સૌનું ભલું કરે અને તમામ લોકોને સારું આરોગ્ય તથા સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.









