ધનતેરસના પાવન અવસરે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના ઉત્સવને સકારવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા.


રાજકોટના રેસકોર્સમાં ભવ્ય આતશબાજી

રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી આ પરંપરાગત આતશબાજી છેલ્લા સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી રાજકોટના દિવાળી કાર્નિવલ અંતર્ગત યોજાય છે. આ આયોજન રાજકોટની દિવાળીની ઉજવણીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. આજે રાત્રે આતશબાજી શરૂ થતાં જ રંગબેરંગી ફટાકડાઓના અદભુત પ્રદર્શને રાજકોટના આકાશને ઝગમગાવી દીધું હતું. વિવિધ પ્રકારના રોશનીભર્યા ફટાકડાઓ અને અવનવી આતશબાજીની પેટર્ન જોઈને ઉપસ્થિત જનમેદની હર્ષોલ્લાસમાં ડૂબી ગઈ હતી.

રંગબેરંગી ફટાંકડાઓથી રાજકોટનું આકાશ દીપી ઉઠ્યું

ધનતેરસના દિવસે જ આ ભવ્ય આતશબાજી યોજાતા, લોકોએ દેવી લક્ષ્મીના આગમનને વધાવ્યું હતું અને દિવાળીના તહેવારનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમ શહેરના લોકોને એકસાથે ઉત્સવની ઉજવણી કરવાની તક પૂરી પાડે છે અને રાજકોટના વાતાવરણને ઉત્સાહથી ભરી દે છે.

  • Follow us on: