ગુજરાતમાં પલ્મોનોલોજિસ્ટ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) કેસોમાં નોંધપાત્ર વધારો જોઇ રહ્યાં છે. તેમજ કોવિડ પછીના વર્ષોમાં આ કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.આ ટ્રેન્ડ ત્યારે જોવા મળ્યો છે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે અને શિયાળાની શરૂઆત સાથે શ્વસન સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત મૂજબ વિશ્વભરમાં લોકોના મૃત્યુ માટેના મુખ્ય કારણોમાં સીઓપીડી ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે આવી ગયું છે.
વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી
નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે લોકોએ જાગૃકતા,સમયસર ટેસ્ટિંગ અને નિવારક આદતોને પ્રાથમિકતા આપવી જોઇએ.અમદાવાદ ખાતે સિનિયર પલ્મોનોજિસ્ટ અને ઇન્ટરનેશનલ સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો.કાશ્મીરા ઝાલાએ કહ્યું હતું કે,ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિઓની તુલનામાં ફેફસાના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. જ્યારે કે સીઓપીડીને સમયસર કેર સાથે કાર્યક્ષમ રીતે મેનેજ કરવું શક્ય છે.પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ,ઝડપી અને પીડારહિત છે જે વ્યક્તિના ફેફસા હકીકતમાં કેટલા સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે.
શિયાળાની મોસમમાં સમસ્યામાં વધારો થાય છે
તેમણે કહ્યું હતું કે,ઘણાં દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાને પહેલેથી જ નુકશાન થઇ ગયું હોય ત્યારે જ આવે છે. વહેલા પીએફટી સ્ક્રિનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે તેમજ જેમ આપણે ડાયાબિટીસને મેનેજ કરીએ છીએ તેમ આપણે નિયમિત દેખરેખ અને યોગ્ય દવાથી સીઓપીડીને પણ કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.તેમણે ઉમેર્યું હતું કે, વિશેષ કરીને શિયાળાની મોસમમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે.
ફેફસાને ગંભીર નુકશાન થાય છે
ઠંડી હવા પ્રદૂષકોને જમીનની વધુ નજીક રોકી રહે છે. જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને ગાડીમાંથી નીકળતા ધુમાડાની માત્રા વધી જાય છે જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વસન નળીમાં બળતરા પેદા કરે છે. ફેફસાની ક્ષમતા ઘટાડે છે તથા અસ્થમા અને બ્રોંકાઇટિસ જેવી બિમારીઓમાં વધારો કરે છે. લાંબા સમય સુધી આ પ્રદૂષકોના સંપર્કમાં રહેવાથી બળતરા રહે છે તથા ફેફસાને ગંભીર નુકશાન થાય છે.
હવા અને પ્રદૂષકોને કારણે લક્ષણો વધુ ગંભીર બને છે
પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે તેઓ હવે 40 અને 50 વર્ષની ઉંમરના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોઇ રહ્યાં છે. જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઇ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે.અમદાવાદ ખાતે કન્સલ્ટન્ટ ક્લિનિકલ એન્ડ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ડો.રાહુલ જાલને કહ્યું હતું કે,જ્યારે ઠંડી હવા અને પ્રદૂષકોને કારણે લક્ષણો વધુ ગંભીર બની જાય છે. ઘરની બહાર માસ્ક પહેરવું, શિયાળામાં વહેલી સવારે કસરત ટાળવી અને વધુ પ્રદૂષણ હોય તેવા સમયે બહાર નીકળવાનું ટાળવાથી ફેફસા ઉપરનો તણાવ ઘટે છે. દર વર્ષે ફ્લુ વેક્સિન પણ ખૂબજ મહત્વપૂર્ણ છે કારણકે તે ઇન્ફેક્શન રોકવામાં મદદરૂપ બને છે.
આ પણ વાંચોઃ Gooseberry : સ્કિન અને હેર માટે આમળા છે સુપરફૂડ, દરરોજ ખાશો તો મળશે અઢળક ફાયદા!









