લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને વગર ડિગ્રીએ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ ચલાવતા ઇસમો સામે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં 15 દિવસ માટે એક વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગની કુલ 298 જેટલી વિશેષ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે રીતસરના ભ્રષ્ટ અને બોગસ તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
38 બોગસ ડોક્ટરો ઝડપાયા, 35 સામે FIR દાખલ
આ સઘન ચેકિંગ અભિયાન દરમિયાન રાજ્યના અલગ-અલગ ખૂણેથી કુલ 38 જેટલા બોગસ ડોક્ટરો પકડાઈ આવ્યા છે. ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરતા અને પ્રિસ્ક્રિપ્શન આપતા આ ઝડપાયેલા ઇસમો પૈકી 35 બોગસ ડોક્ટરો સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ (FIR) નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
