મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025ના સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતને ઉત્તમ સહકારિતાનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત બનાવવા પર ભાર મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહની પ્રેરણાથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ વર્ષની રાજ્ય વ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરિય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.


નવા સહકારી મોડેલ્સને પ્રોત્સાહન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાત પાસે આ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-2025ને સફળ બનાવવા માટે નવા સહકારી મોડેલ્સને પ્રોત્સાહન આપીને ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ઉત્તમ તક આવી છે. તેમણે આ હેતુસર એક્શન પ્લાન મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય અને સહકારી સંસ્થાઓ તથા પ્રજાજનોની સહભાગીતાથી તે સફળતાપૂર્વક ઉજવીને “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ”ની થીમને ગુજરાત સાચા અર્થમાં પરિપૂર્ણ કરે તે માટે કાર્યરત રહેવાનું માર્ગદર્શન આપ્યું હતું.

કૃષિ મંત્રી રાઘવજી પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 અન્વયે જાન્યુઆરી-2025થી જુન-2025 દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સફળતાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં તા.૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પરેડમાં રાજ્યની સહકારી પ્રવૃત્તિ દર્શાવતા ટેબ્લોઝ, મહિલા શક્તિ અને યુવાઓ માટેના સહકારીતા સેમીનાર, એક પેડ માં કે નામ અંતર્ગત સહકારી સંસ્થાઓ, સંઘો અને મંડળીઓ દ્વારા રાજ્યવ્યાપી વૃક્ષા રોપણ તથા ગ્રામીણ સ્તરે સ્વચ્છતા-સફાઈ અભિયાનની સફળતા વર્ણવવામાં આવી હતી.

અમિત શાહ આણંદમાં દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરશે

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત યોજાનારા આગામી કાર્યક્રમોના આયોજનને પણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ આયોજન અંગેના વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે 5 અને 6 જુલાઈએ આણંદમાં કેન્દ્રીય સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર અને સહકાર વિષયક કાર્યક્રમો યોજાશે. તદઅનુસાર, મંત્રી અમિત શાહ 5 જુલાઈએ સવારે આણંદમાં દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં સહકાર સંવાદ યોજાશે. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ પણ સહભાગી થશે.

દૂધ, મગ, ચીક્કી જેવા ન્યુટ્રિશન ફુડનું વિતરણ કરાશે

કેન્દ્રીય સહકારીતા અને ગૃહમંત્રી 6 જુલાઈએ આણંદમાં એન.ડી.ડી.બી. તથા અમૂલની નવી પરિયોજનાઓના ઉદ્ઘાટન પણ કરવાના છે. એટલું જ નહિ, રાજ્યમાં 1 થી 6 જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણી અન્વયે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં 3થી 6 વર્ષની આયુના અંદાજે 30 લાખ બાળકોને દૂધ સંઘો, સહકારી બેંકો તથા પેક્સ વગેરે દ્વારા દૂધ, મગ, ચીક્કી જેવા ન્યુટ્રિશન ફુડનું વિતરણ કરાશે. સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના એક મહત્વપૂર્ણ અભિયાનની વિગતો આપતાં બેઠકમાં કહ્યું કે, “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા સહકાર ક્ષેત્રે સંકળાયેલા અને ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા લોકોને સરકારની સહકાર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી યોજનાઓથી થયેલા લાભ અને આર્થિક ઉન્નતિ માટે વડાપ્રધાનનો આભાર માનતા પોસ્ટકાર્ડ રાજ્યના ગામો-નગરોમાંથી વડાપ્રધાનને મોકલવામાં આવશે.


  • Follow us on: