ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે શનિવારે આપેલા રેડ એલર્ટને પગલે સાબરકાંઠાના ત્રણ તાલુકાઓમાં રવિવારે રાત્રે જાણે કે આભ ફાટયુ હોય તેમ આખી રાત્ર ધોધમાર વરસાદ પડયો હતો. દરમિયાન રાત્રે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં વડાલી તાલુકામાં 12 ઈંચથી વધુ, ખેડબ્રહ્મામાં 10 ઈંચથી વધુ જયારે ઈડર તાલુકામાં 05 ઈંચથી વધુ વરસાદ પડતાં સીમાડાઓ અને ગામડાઓમાં વરસાદી પાણી વહેવા માંડયું હતું. તો બીજી તરફ રવિવારે સવારે 2 કલાકમાં ખેડબ્રહ્મા પંથકમાં 01 જયારે વિજયનગર પંથકમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. ત્રણ તાલુકાઓમાં શનિવારે રાત્રે બારે મેઘ ખાંગા થયા હોવાને કારણે મુખ્યત્વે મગફળીના પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ રવિવારે સમગ્ર જિલ્લામાં આકાશ વાદળછાયું રહ્યું હોવાને કારણે ગરમી ઘટી છે પરંતુ બાફ અને ઉકળાટમાં ખાસ ઘટાડો થયો નથી.
ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી જણાવાયા મુજબ, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા અનેક ગામોમાં શનિવારે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે મોડી રાત્રે રૌદ્ર સ્વરૂપ પકડયું હોય તેમ સવારે 6 વાગ્યા સુધી એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે લોકોને ઘરમાં ભરાઈ રહેવાની નોબત આવી હતી. સીમાડાઓ પણ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતાં મુખ્યત્વે મગફળીનો પાક ડુબી ગયો છે. જોકે રાત્રે પડેલા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી જણાવાયું હતું. રવિવારે સવારે ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને ઈડર પંથકમાં વરસાદ પડયો હતો જેમાં સવાર 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મામાં 25 મીમી, વિજયનગર 14, વડાલી 06 અને ઈડરમાં 04 મીમી વરસાદ પડયો હતો. તો બીજી તરફ પ્રાંતિજમાં રાત્રી દરમ્યાન 46 મીમીથી વધુ તલોદમાં 66, પોશીનમાં 32 જયારે હિંમતનગર પંથકમાં 15 મીમી વરસાદ થયો હતો. જિલ્લામાં પડેલા સતત વરસાદને કારણે ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર અને વડાલી તાલુકામાંથી પસાર થતી હરણાવ અને ભેસ્કા નદીમાં નવા નીર આવતાં ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. આ લખાય છે ત્યારે ચાર વાગે પણ નાના મોટા ડેમમાં પાણીની આવક ચાલુ રહેવા પામી હતી.










