ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચ માત્ર પ્રતીકાત્મક પગલું નથી, પરંતુ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક મજબૂત સંકલ્પ છે. વર્ષ 2025ને ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ ગણાવ્યું છે. કારણ કે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, રાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનો શુભ સંયાગ રચાયો છે. યુનીટી માર્ચનું સમાપન સાબરડેરી ખાતે થયું હતું.

હિંમતનગરમાં યોજાયેલ યુનીટી માર્ચમાં ઉપસ્થિત મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને કારણે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવીને સરદાર સાહેબને આપેલી સાચી શ્રદ્ધાંજલિને બિરદાવી હતી. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 હટાવીને બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલના એક ભારતના સ્વપ્નને પૂરું કર્યું છે. તેમણે અખંડ ભારતના નિર્માણમાં સહકાર આપનાર દેશી રજવાડાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌને ભારતની એકતાની રક્ષા કરવાનો સંકલ્પ લેવાનું આહવાન કરતા તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવા મક્કમ મનથી સૌ સહભાગી બનીએ એ જ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રાદ્ધાંજલિ હશે.

સાંસદ શોભનાબેન બારૈયાએ અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી, સૌને એક ભારત શ્રોષ્ઠ ભારત તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગીદાર થવા આહવાન કર્યું હતું. આ યુનિટી માર્ચનો પ્રારંભ હિંમતનગરના ટાવર ચોકથી થયો હતો અને ત્યાંથી સિવિલ સર્કલ, બસ સ્ટેશન, મોતીપુરા ઓવરબ્રિજ,મોતીપુરા થઈને સાબર ડેરી ખાતે યાત્રાનું સમાપન થયું હતું. હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને મંત્રીએ સુતરની આંટી અર્પણ કરી પદયાત્રાની શરૂઆત કરાવી હતી. આ સાથે પદયાત્રાના રૂટમાં આવતી આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. માર્ર્ગમાં વિવિધ સ્થળો પર યાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યુવા આઇકન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સમાપન પ્રસંગે સાબર ડેરીમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ યુનિટી માર્ચમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગર, પ્રાંતિજ અને ઈડરના ધારાસભ્ય પાલિકા પ્રમુખ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, જે. ડી. પટેલ, મહેશ પટેલ, જેઠા પટેલ, કનુ પટેલ, કૌશલ્યા કુંવરબા, સહિત સાબરકાંઠાના અગ્રણીઓ તેમજ નગરજનોએ ઉત્સાહભેર સહભાગી થયા હતા.


  • Follow us on: