ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભિલોડા ત્રણ રસ્તા વિસ્તારની હોટલ સામેથી ગુરૂવારે મોડી રાત્રે ઈડર પોલીસે શંકને આધારે રિક્ષામાંથી અંદાજે રૂ. 2.46 લાખની કિંમતનો ગાંજો ઝડપી લીધો હતો. તેમજ ત્રણ પૈકી બે જણાની અટકાયત કરી ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ જણા વિરૂધ્ધ શુક્રવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.


આ અંગે ઈડરના પી.એસ.આઈ પ્રવિણસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુરૂવારે રાત્રે તેઓ ભિલોડા ત્રણ રસ્તા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અહીંથી પસાર થતી રિક્ષા નં.જીજે.02.વાયવાય 9907 શંકાસ્પદ જણાઈ હતી. જેથી પોલીસે તેને અટકાવી હતી. ત્યારબાદ રિક્ષામાં ડ્રાઈવરની સીટ નીચેથી રૂા. 2.46 લાખની કિંમતનો માદક પદાર્થ તરીકે ઓળખાતો અંદાજે 4.920 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા તેને કબજે લીધો હતો. ત્યારબાદ પોલીસે રિક્ષામાં જઈ રહેલ અને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ સોમનાથનગરના રબારી વાસમાં રહેતા યોગેશ રમેશભાઈ ચૌહાણ અને ગાંધીનગર જિલ્લાના અડાલજમાં રહેતા રાહુલ રમેશભાઈ પરમારની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે માદક પદાર્થ આપનાર વિષ્ણુ તિલરવા મળી ત્રણેય વિરૂધ્ધ ગુરૂવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટોપીક એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી અંદાજે રૂા. 3.36 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.


  • Follow us on: