સમગ્ર ઉત્તર ગુજરાતનો પશુપાલકો માટે આસ્થાના કેન્દ્ર સમાન શ્યામગોર બાવજીનો લોકમેળો રવિવારે ઈડરના બરવાવ ગામે યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લાના પશુપાલકોએ પોતાની માનતા પૂરી કરી આગામી વર્ષ માટે ગાય, ભેંસ સહિતના દૂધાળા પશુઓ સંપૂર્ણ તંદુરસ્ત રહે તે માટે વિશેષ પૂજા આરતી કરી હતી. ઈડરના બરવાવ ગામે છેલ્લા 500 વર્ષથી શ્યામગોર વીર મહારાજની ભાદરવા સુદ આઠમના દિવસે વિશેષ ભોગ ધરાવાય છે. તેમજ છેલ્લા એક વર્ષ દરમિયાન પશુપાલકોએ પોતાના પશુઓ માટે માનેલી માનતાઓ પણ આજે પૂર્ણ કરાય છે. સાથોસાથ આગામી વર્ષમાં પોતાના ગાય, ભેંસની તંદુરસ્તી સંપૂર્ણ રીતે જળવાયેલી રહે તેમજ તેમનો વંશ સતત વધતો રહે તેવી મંગલ કામના સાથે દૂધ, ઘી તેમજ વિવિધ અનાજ ધરાવાય છે. જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પશુપાલકો માટે યોજાતો આ એકમાત્ર મેળો હોવાના પગલે આજના દિવસે હજારોની સંખ્યામાં પશુપાલકો હાજરી આપતા હોય છે તેમજ પોતાના પશુઓના સુખાકારી જીવન માટે વિશેષ ભોગ ધરાવે છે. સાથોસાથ એક વર્ષ દરમિયાન પશુઓના તંદુરસ્તી માટે પણ આજના દિવસે શ્યામગોર વીર મહારાજને વિશેષ ભોગ ધરવામાં આવે છે.



  • Follow us on: