સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીનો વાર્ષિક દૂધ વધારો જાહેર કરાયો છે જેમાં ડેરીએ નક્કી કરેલ 995 રૂપિયાનો ભાવ વધારો 61મી સાધારણ સભામાં મંજૂર કરાયો છે. પશુપાલકોને કુલ 653 કરોડનો ભાવ વધારો અપાયો છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 602 કરોડનો ભાવ વધારો અપાયો હતો. આજે મળેલી 61મી સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસાર કરાયા હતા. હવેથી દર વર્ષે 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો અપાશે તથા સાધારણ સભામાં ચેરમેન,સેક્રેટરીને પણ સ્થાન મળશે.
995 રૂપિયા ભાવ વધારો મંજુર
હિંમતનગર સ્થિત સાબરડેરીમાં આજે 61મી વાર્ષિક સાધારણ સબા મળી હતી જેમાં વાર્ષિક દૂધ વધારો જાહેર કરાયો હતો. સાબર ડેરી દ્વારા નક્કી કરાયેલા 995 રૂપિયા ભાવ વધારો મંજુર કરાતા પશુપાલકોને રાહત મળી છે.
હવેથી દર વર્ષે 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો
61મી સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસાર કરાયા હતા તે મુજબ હવેથી દર વર્ષે 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો અપાશે તથા 30 જૂન પહેલા દૂધ ભાવ વધારો ચૂકવાઇ જશે તેવો પણ નિર્ણય કરાયો હતો.
એક પણ મંડળીએ વિરોધ ના કર્યો
આજે મળેલી 61મી સાધારણ સભામાં એક પણ મંડળીએ વિરોધ કર્યો ન હતો અને સર્વાનુમતે સાધારણ સભા સંપન્ન થઇ હતી. બીજી તરફ હવેથી ચેરમેન તેમજ સેક્રેટરીને પણ સાધારણ સભામાં સ્થાન મળશે. સભામાં 653 કરોડ નો કુલ ભાવ વધારો અપાયો છે જ્યારે ગત વર્ષે 602 કરોડ નો ભાવ વધારો અપાયો હતો.
ભાવ ફેરના મુદ્દે પશુપાલકોએ આંદોલન કર્યું હતું
ઉલ્લેખનિય છે કે જુલાઇ મહિનામાં સાબરડેરીમાં ભાવ ફેરના મુદ્દે પશુપાલકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું પશુપાલકોએ સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા અને પશુપાલકોના ટોળાને વિખેરવા માટે પોલીસે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને 46 લોકોની અટકાયત કરી હતી. પોલીસે 74 આગેવાનો સામે ફરિયાદ પણ નોંધી હતી. ત્યારબાદ સાબર ડેરીએ પ્રતિ કીલો ફેટે ભાવ વધારો જાહેર કરીને 990 રુપિયાની જગ્યાએ 995 રુપિયાનો ભાવ નક્કી કરી દેવાયો હતો