સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત સાબર ડેરી સામે પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દૂધના વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકોમાં નારાજગી હવે ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થઇ છે. જેના ભાગરૂપે, ભાણપુર ગામના પશુપાલકોએ અનિશ્ચિત સમય સુધી સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પશુપાલકો દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી!
મળતી માહિતી અનુસાર, સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો વાર્ષિક ભાવફેર પશુપાલકોની અપેક્ષા કરતાં ઘણો ઓછો હોવાથી તેમનામાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે, મોંઘવારી અને પશુ આહારના વધતા ભાવોને ધ્યાનમાં લેતા, તેમને અપેક્ષિત ભાવફેર મળ્યો નથી. પશુપાલકો 20 થી 25 ટકા સુધીનો ભાવફેર લેવા માટે મક્કમ છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ભાણપુરના પશુપાલકોએ એકઠા થઈને પોતાની વેદના વ્યક્ત કરી હતી.
પશુપાલકો દ્વારા ગુજરાન ચલાવવું મુશ્કેલ
પશુપાલકોનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે જયારે તેમને મળતા ભાવમાં અપેક્ષિત વધારો થઇ રહ્યો નથી, જેના કારણે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિમાં સાબર ડેરી દ્વારા જાહેર કરાયેલા ઓછો ભાવફેર તેમના માટે "ઉંટના મોંઢામાં જીરું" સમાન છે. પશુપાલકોના આ આક્રોશને કારણે સાબર ડેરીના સંચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. જો આ વિરોધ વધુ વ્યાપક બનશે તો ડેરીના દૂધ સંપાદન પર ગંભીર અસર પડી શકે છે. પશુપાલકો દ્વારા શરૂ કરાયેલું આ આંદોલન કેટલો સમય ચાલશે અને ડેરી દ્વારા આ મુદ્દે કેવો પ્રત્યુત્તર આપવામાં આવે છે તે જોવું રહ્યું.









