રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકમાં, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીના પુત્ર અને ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીની ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણયથી સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે. તેઓ આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા અને ગુજરાતના પાયારૂપ પ્રશ્નોની રજૂઆત કરીને મજબૂત ગુજરાત બનાવવાનું કામ કરશે.


[[$googlead]]

કોંગ્રેસ પહેલાથી જ પશુપાલકોની સાથે રહી છે : તુષાર ચૌધરી

વિરોધ પક્ષના નેતા તરીકે, તુષારભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભામાં વર્તમાન સમસ્યાઓને મજબૂતાઈથી રજૂ કરશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારા સમયમાં યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે એક મજબૂત સંગઠન તૈયાર કરવાનો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની સમસ્યાઓને રાજ્ય સરકાર સામે ખુલ્લી પાડી સાચા અર્થમાં ગુજરાતની જનતા સુધી પહોંચવામાં આવશે. તાજેતરમાં સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા પશુપાલક આંદોલન મામલે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પહેલાથી જ પશુપાલકોના પક્ષે રહી છે. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર સહિત સાબર ડેરીના એમડીને પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, આવનારા સમયમાં પણ ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો કોંગ્રેસ મજબૂતાઈથી ઉઠાવતી રહેશે.

[[$alsoread]]

કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને તમામ જગ્યાએ મોટા કૌભાંડો થઈ રહ્યા છે. 'વિકસિત ગુજરાત'ના નામે જે ખોટો ફુગ્ગો ફુલાવવામાં આવી રહ્યો છે, તેને દૂર કરી ગુજરાતના પ્રાણરૂપ પ્રશ્નોને વાચા આપવામાં આવશે. તુષારભાઈ ચૌધરી જેવા અનુભવી અને જમીન સાથે જોડાયેલા નેતાની પસંદગી થતા, સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક કાર્યકરોમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર થયો છે. સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે, તુષારભાઈના નેતૃત્વ હેઠળ ગુજરાત કોંગ્રેસ ફરી સક્ષમ બનશે અને જનતાના પ્રશ્નોને વાચા આપવામાં સફળ રહેશે. જોકે, આવનારા સમયમાં ગુજરાતમાં તૂટી જતી કોંગ્રેસ નવા ચૂંટાયેલા પ્રમુખ તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા થકી કેટલી સક્ષમ બને છે તે તો આવનારો સમય જ બતાવશે.



  • Follow us on: