ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા ભાડા વિધેયક (રેન્ટ એક્ટ) બિલ સામે સમગ્ર રાજ્યભરમાં વકીલોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ આક્રમક બની રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વકીલોએ આ વિધેયકના વિરોધમાં આરપારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે. હિંમતનગર ખાતે આવેલી જિલ્લા મુખ્ય ન્યાયાલયના તમામ મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટ પરિસરમાં સત્તાવાર રીતે તાળાબંધી કરી દેવામાં આવી છે, જેના કારણે અદાલતી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.

ન્યાયાલય પરિસરમાં ગુંજ્યા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના આહ્વાન પર તમામ વકીલો ન્યાયિક કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહ્યા હતા. પોતાના વ્યાવસાયિક ગણવેશ (યુનિફોર્મ)માં મોટી સંખ્યામાં વકીલો હિંમતનગર કોર્ટ સંકુલ ખાતે એકઠા થયા હતા. વકીલોએ નવા ભાડા વિધેયક વિરોધી બેનરો અને પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલ મંડળનું સ્પષ્ટ કહેવું છે કે નવો કાયદો સામાન્ય નાગરિકો, ભાડૂઆતો અને વકીલોના હિતો વિરુદ્ધનો છે અને તેનાથી ન્યાયપ્રણાલી પર વિપરીત અસર પડશે.

માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી

સાબરકાંઠાના વકીલોએ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલા રાજ્યવ્યાપી આંદોલનને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કાયદાકીય પ્રક્રિયામાંથી અદાલતોની સત્તા છીનવીને સરકારી અધિકારીઓને સોંપવાની જોગવાઈ સામે વકીલોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. વકીલ મંડળના હોદ્દેદારોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી સરકાર આ કાળો કાયદો પાછો ખેંચવાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આ પણ વાંચો : Vadodara News : ગુજરાત ભાડા વિધેયક બિલ સામે વકીલ મંડળનો હલ્લાબોલ, કોર્ટ પરિસરમાં બિલની હોળી કરી નોંધાવ્યો વિરોધ!