સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી દ્વારા દૂધના ભાવફેરમાં કરાયેલા ઘટાડાને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભાવફેર ઓછો ચૂકવાતા રોષે ભરાયેલા પશુપાલકોએ હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરી ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાબર ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
20 થી 25 ટકા જેટલો ભાવફેર ચૂકવવાની માંગ
મહત્વનું છે કે, મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકોએ સાબર ડેરી નિયામક મંડળ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમની મુખ્ય માંગ 20 થી 25 ટકા જેટલો ભાવફેર ચૂકવવાની છે, જેથી તેઓને દૂધ ઉત્પાદનમાં યોગ્ય વળતર મળી રહે. પશુપાલકોનું કહેવું છે કે, નફાથી વંચિત રહેવાના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતો ન્યાયી ભાવફેર માટે અડગ
ગત વર્ષે સાબર ડેરી દ્વારા પશુપાલકોને વધારા પેટે રૂ. 602 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે દૂધના ભાવમાં 17 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. જોકે, ચાલુ વર્ષે આ રકમ ઘટાડીને રૂ. 500 કરોડ કરવામાં આવી છે, જેના પરિણામે દૂધનો ભાવ વધારો માત્ર 9.75 ટકા જેટલો જ ચૂકવાઈ રહ્યો છે. આ ઘટાડાને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને તેઓ ન્યાયી ભાવફેર માટે અડગ છે. આ વિરોધ પ્રદર્શનથી હિંમતનગર-તલોદ માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર અને ડેરી સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.









