સાબર ડેરીમાં ભાવ ફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. ત્યાર બાદ 46 લોકોની અટકાયત કરીને 74 લોકો સામે ફરિયાદ નોંધી હતી. પશુપાલકોના આ આંદોલનથી સાબર ડેરીમાં દૂધની આવક પર અસર થવા પામી છે. ડેરીમા બટર, પનીર, દૂધ પાવડર, શિખંડના પ્લાન્ટ બંધ થયા છે. દૂધની અછતને લઈને વિતરણ વ્યવસ્થા પર અસર થઈ છે. આવનાર દિવસોમાં સ્થિતિ વિકટ બને તેવી સ્થિતિ છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહેસાણાથી 8 ટેન્કર ભરીને દૂધ લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાબર ડેરીના ચેરમેન સુભાષ પટેલનું નિવેદન
સાબર ડેરીમાં મહેસાણાથી પોલીસ પ્રોટેક્શન સાથે આઠ ટેન્કર ભરીને દૂધ લવાયું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને સાબર ડેરી દ્વારા અરવલ્લી પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સાબર ડેરીના ચેરમેન સુભાષ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, મહેસાણાથી દૂધ લવાયાની વાત પાયા વિહોણી છે. ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી થશે.
બનાસ ડેરીમાંથી દૂધના 10 ટેન્કરો મંગાવ્યા
બીજી તરફ સાબર ડેરીમાં પોલીસ પ્રોટેક્શન સાથે બનાસ ડેરીમાંથી દૂધના 10 ટેન્કરો મંગાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. બીજી તરફ ડેરીના ચેરમેન શામળ પટેલે કહ્યું હતું કે, આ આંદોલન રાજકીય નેતાઓના માણસો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળનારા પશુપાલકો નહીં પણ અસામાજિક તત્વો છે.