સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને રમણીય ઈડરિયા ગઢ પર જીવના જોખમે સેલ્ફી લેવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં, રૂખી રાણીના માળિયાની ટોચ પર કેટલાક યુવક-યુવતીઓ જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા જે ખરેખર બેદરીઅકરીની પરાકાષ્ઠા દર્શાવે છે.
70 મીટરના જ અતંરે આવેલો છે પોલીસ પોઇન્ટ
આશ્ચર્યજનક બાબત એ છે કે, આ જોખમી સેલ્ફી લેવાઈ રહી હતી તે સ્થળથી માંડ 70 મીટરના અંતરે એક પોલીસ પોઈન્ટ આવેલો છે. તેમ છતાં, આવા બેદરકારીભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. જે પોલીસ અને સ્થાનિક લોકો બંનેની બેદરકારી સૂચવે છે. સહેલાણીઓ, ખાસ કરીને યુવાનો, જોખમી જગ્યાઓ પરથી સેલ્ફી લેવાની ઘેલછામાં પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ઈડરિયા ગઢ જેવા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આવા બનાવો બનવા એ ગંભીર બાબત છે.
મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?
આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે, જો આવી કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? શું પોલીસ તંત્ર આવા જોખમી કૃત્યોને રોકવા માટે વધુ સક્રિય બનશે? કે પછી સેલ્ફીના શોખીનોને પોતાની જ સુરક્ષાની કોઈ પરવા નથી? આ ઘટના એક લાલબત્તી સમાન છે. સહેલાણીઓએ પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવું અત્યંત જરૂરી છે અને વહીવટી તંત્રએ પણ આવા જોખમી સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી નિયમોનું પાલન કરાવવું જોઈએ. જેનાથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.









