ભારત સરકાર દ્વારા સાબરકાંઠાના ઈડરમાંથી પસાર થતા નેશનલ હાઈવેમાં જમીનની કિંમત મામલે વિવાદ સર્જાયો છે.એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ચોરસ મીટર રૂપિયા 180થી 500 રૂપિયા સુધીનો ભાવ આપવાનું નક્કી કરાયું છે.ત્યારે હાલમાં વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ માત્ર 120થી 170 રૂપિયા સુધીનો ભાવ આપતા હવે આવનારા સમયમાં જમીન મામલે પણ વિરોધ થાય તો નવાઈ નહીં.
તાત્કાલિક ધોરણે સહાયની વિગતો જાહેર કરવા માગ
સાબરકાંઠાના ઇડરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અંતર્ગત અંદાજે 371 એકરથી વધારેની જમીન હાઇવે ઓથોરિટી દ્વારા કબજે લેવાની તૈયારી શરૂ કરાઈ છે. બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રતિ ચોરસ મીટર 100, 120થી લઈ 670 સુધીના ભાવ અપાઈ રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોમાં વ્યાપક વિરોધાભાસ સર્જાયો છે તેમજ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સહાયની વિગતો જાહેર કરવા માગ કરાઈ છે. જોકે માંગ ન સ્વીકારે તો જિલ્લામાં ફરી એકવાર આંદોલન ઉભું થાય તેમ છે.
ઈડરના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ભારે પરેશાની
સાબરકાંઠાના ઈડરથી લઇ શામળાજી સુધી પસાર થતા નેશનલ હાઈવેમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇડરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય કક્ષાએ પ્રતિ ચોરસ મીટર રૂપિયા 110 આપવાનો નિર્ણય કરાયો છે તો બીજી તરફ ઈડરથી 17 કિલોમીટર પૂર્વ વિસ્તારમાં પ્રતિ ચોરસ મીટર 670 આપવાની વાત કરાઈ છે. ત્યારે હવે ખેડૂતો પોતાના જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર એ 1000થી વધુ લેવાની સાથે તમામ ખેડૂતોને એકસરખું વળતર આપવાની રજૂઆત કરાઈ છે. આવનારા સમયમાં આ મામલે ચોક્કસ રજૂઆત ન થાય તો સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ભારે પરેશાની સર્જાય તેમ છે.
ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન
જમીનના પોષણક્ષમ ભાવ ન મળતા હવે તંત્ર સામે આવનારા સમયમાં વ્યાપક જન આંદોલન શરૂ થાય તેવા એંધાણ છે. સ્થાનિક લોકોનું માનીએ તો નેશનલ હાઇવે ઓથોરિટી થકી ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાનું છે. હાલના તબક્કે તાત્કાલિક ધોરણે આ મામલે ચોક્કસ પગલાં ભરાય તેવી માગ કરાઈ છે. જોકે 200 કરતાં વધુ ખેડૂતોએ પોતાની જમીન સંપાદન મામલે ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નેશનલ હાઇવે ઓથોરિટી સહિત સરકાર દ્વારા દરેકની જમીનના એકસરખા ભાવ મળે તે માટે રજૂઆત કરી છે.