6 નવેમ્બર, 2026ના રોજ દેશ અને ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. ધનતેરસના પર્વ નિમિત્તે બજારોમાં સોના-ચાંદીની ખરીદીનો માહોલ રહેશે. રાજકીય નેતાઓના કાર્યક્રમો, સરકારી અભિયાન, હવામાનની ચેતવણી અને ગુજરાતના વિવિધ કાર્યક્રમો પણ આવતીકાલના દિવસને મહત્વપૂર્ણ બનાવશે.

ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદીનો માહોલ

આવતીકાલે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. આ પર્વને ધ્યાનમાં રાખીને બજારોમાં મોટા પાયે સોના અને ચાંદીની ખરીદી થવાની શક્યતા છે. ઝવેરાત બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી શકે છે.

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 નવેમ્બરે ઉત્તરાખંડના પ્રવાસે રહેશે. દેહરાદૂનમાં યોજાનારા રાજ્ય સ્થાપના દિવસના કાર્યક્રમ અને પોલીસ અલંકાર સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે.

રાહુલ ગાંધીનું દિવાળી મિલન સમારોહ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતીકાલે દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, મહાસચિવો અને પ્રભારીઓને દિવાળી મિલન સમારોહ માટે આમંત્રિત કરશે. સાંજે 5 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.

પેન્શનધારકો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ 6 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન-5નો પ્રારંભ કરશે. આ અભિયાનનો હેતુ પેન્શનધારકો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

દિલ્હીમાં બે દિવસીય દિવાળી ઉત્સવ

દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 6 અને 7 નવેમ્બરે 'દિલ્હી કી દિવાલી' ઉત્સવ યોજાશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા 6 નવેમ્બરે સાંજે 6 વાગ્યે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગે 6 નવેમ્બરે 13 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાત એસટી નિગમની 100 નવી બસોનું લોકાર્પણ

ગુજરાત એસટી નિગમની 100 નવી બસોનું લોકાર્પણ આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. નવી બસોના લોકાર્પણથી એસટીના પરિવહન વ્યવસ્થામાં વધારો થવાની અપેક્ષા છે.

રાજ્યપાલ મહિસાગરના જોરાપુરાની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલ 6 નવેમ્બરે મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામની મુલાકાત લેશે. ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

- સવારે 5:45 કલાકે જોરાપુરા હાઈસ્કૂલ ખાતે યોગાભ્યાસ કરશે.

- સવારે 7:10 કલાકે કરણપુર ગામ નજીક ગૌદોહન અને ફાર્મની મુલાકાત લેશે.

- સવારે 10:00 કલાકે બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત લેશે અને લોકસંવાદ તથા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેશે.  


આ પણ વાંચો :   Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ