કેદારનાથ યાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતના વડોદરાના એક ભક્તનું મોત થયું છે. મૃતકની ઓળખ 52 વર્ષીય દિલિપ માળી તરીકે થઈ છે. તેઓ ભગવાનના દર્શન માટે કેદારનાથ ધામ ગયા હતા, પરંતુ અચાનક હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. મળતી માહિતી મુજબ, દિલિપભાઈની યાત્રા દરમિયાન તબિયત બગડતાં અચાનક બેભાન થઈ ગયા હતા. આસપાસ હાજર લોકો અને તબીબી ટીમે તરત જ મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.

પરિવારજનો અને અન્ય યાત્રાળુઓમાં શોકની લાગણી

આ ઘટનાથી પરિવારજનો અને અન્ય યાત્રાળુઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં તેમના મૃતદેહને વડોદરા લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને યાત્રા સંચાલકો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેથી મૃતદેહ ઝડપથી તેમના વતન પહોંચાડી શકાય.

20 લાખથી વધુ લોકોએ કરાવ્યું છે યાત્રા માટે રજિસ્ટ્રેશન

તમને જણાવી દઈએ કે આ વર્ષે કેદારનાથ સહિત ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલથી શરૂ થયેલી ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લાખો લોકોએ નોંધણી કરાવી છે. કેદારનાથ ધામ માટે જ 7.23 લાખથી વધુ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે સમગ્ર ચાર ધામ યાત્રા માટે ફરજિયાત નોંધણીનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે.

પ્રશાસન દ્વારા યાત્રાળુઓને આરોગ્ય અને સલામતી અંગે ખાસ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન અને ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને તંદુરસ્તીનું ધ્યાન રાખવું જરૂરી હોવાનું જણાવાયું છે. આ ઘટના યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અંગે જાગૃતિ રાખવાની જરૂરિયાતને ફરી એકવાર રેખાંકિત કરે છે.

આ પણ વાંચો : Chardham Yatra 2026: ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર, ગંગોત્રી-યમુનોત્રીમાં 20 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન