અમદાવાદની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે જામનગરમાં આજે વહેલી સવારથી એક મોટી અને વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અંદર એકસાથે ૨૫ જેટલી પેઢીઓમાં જીએસટીની ટીમોએ ચકાસણી શરૂ કરી છે. આ કાર્યવાહી જામનગરમાં મોટા પાયે કરચોરી અને બેનામી વ્યવહારોના શંકાસ્પદ રેકેટનો પર્દાફાશ કરવાના આશયથી કરવામાં આવી છે.
CA અલ્કેશ પેઢડિયા અને BRAHM એસોસિએટેડ નિશાના પર
GST ટીમોની તપાસના કેન્દ્રમાં મુખ્યત્વે સીએ અલ્કેશ પેઢડિયા છે, જેના દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચલાવવામાં આવી રહ્યા હોવાની આશંકા છે. અમદાવાદની જીએસટી ટુકડીઓએ ખાસ જામનગર આવીને BRAHM એસોસિએટેડ નામની પેઢી સામે કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં, સીએના નિવાસ સ્થાને પણ GSTની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મેગા ઓપરેશન દરમિયાન અંદાજે ₹100 કરોડથી વધુના નાણાંકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. GST વિભાગને આશંકા છે કે આ સમગ્ર કૌભાંડમાં કેટલીક બોગસ પેઢીઓ પણ ચાલી રહી છે.
કરોડોના કૌભાંડની શક્યતા, સંચાલકો ફરાર
કાર્યવાહી શરૂ થતાં જ કેટલીક પેઢીઓના સંચાલકો પોતાની ઓફિસોને તાળા મારીને નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, તપાસ દરમિયાન કેટલીક પેઢીના માલિકોએ કબૂલ્યું હતું કે તેમને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જ તમામ વ્યવહારો કરવામાં આવતા હતા. GST વિભાગે આ કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ વ્યાપક તપાસના અંતે કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ બહાર આવે અને તેમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે, જેના પગલે જામનગરના વેપારી અને એકાઉન્ટન્ટ આલમમાં ખળભળાટ મચી ગયો છે.