જામનગર સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના તાયફાઓ વચ્ચે જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અપૂરતા શિક્ષકોને કારણે ધો.1માં ગત વર્ષ કરતાં 1752 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. સરકારી શાળામાં ઓછા શિક્ષકોના કારણે શિક્ષણ કથળી રહ્યું હોવાનું શાળા પ્રવેશોત્સવના આંકડા પરથી સામે આવી રહ્યું છે.


શાળા પ્રવેશોત્સવમાં 25,195 બાળકો પ્રવેશ મેળવશે

રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું 100 ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની તા.26 થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લામાં તા.26 જુનથી યોજાનાર શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કુલ 45 રૂટ પર યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર પર વિદ્યાર્થીઓનો ઘટાડો જિલ્લામાં આંગણવાડીમાં કુલ 4307, બાલવાટિકામાં 7336, ધો-1માં 875ર અને ધો-9માં 4800 બાળકો મળી કુલ 25,195 બાળકો પ્રવેશ મેળવશે. ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

સરકારી શાળામાં શિક્ષકોની ઘટ

શાળા પ્રવેશોત્સવમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ધો-1માં ગત વર્ષ કરતા 175ર વિદ્યાર્થીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે વર્ષ 2024-25માં 10507 અને ચાલુ વર્ષે 2025-26માં 8752 વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. હાલ સ્કૂલોમાં 1 થી 5 ધોરણમાં જ શિક્ષકોની ઘણા લાંબા સમયથી ખાલી જગ્યા પડેલી છે જોકે અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ન હોય તેવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરીને શિક્ષણ તંત્ર ગાડું ગબડાવી રહ્યું છે.

વિદ્યાર્થીઓને  પાયાનું શિક્ષણ મેળવવામાં મુશ્કેલી

જોકે આ બાબતે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ જણાવ્યું કે આગામી સમયમાં આ તમામ બાબતનો અંત આવીં જાશે. પરંતુ મૂળભૂત જગ્યા ઉપર શિક્ષક ન હોવાથી પાયાનું શિક્ષણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે. હાલ જામનગર જિલ્લામાં 550 થી વધારે શિક્ષકોની ઘટ્ટ છે. ત્યારે સરકારી શાળાઓમાં અપુરતા શિક્ષકો અને ઘટતા ઓરડાઓ સહિતની અસુવિધાના કારણે વિદ્યાર્થીઓ પાયાના જ શિક્ષણથી વંચિત રહી જતાં હોવાથી વાલીઓ પોતાના બાળકોને ધો-1માં ખાનગી શાળાઓમાં એડમીશન કરાવે છે.

  • Follow us on: