જામનગરના હિંમતનગરમાં રહેતા એક 71 વર્ષિય ધંધાર્થીને તમારા બેન્ક એકાઉન્ટનો આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થયાની ધમકી આપીને તેના રૂ.7 લાખ પડાવવાનો કારસો સાયબર ક્રાઈમ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.


શહેરના એક 71 વર્ષના વૃધ્ધને હિન્દીભાષી શખસોનો દબડાવી નાંખતો વીડિયો ફોન આવ્યો હતો. તેના બેન્કના એકાઉન્ટમાંથી આતંકી ફંડિંગ થયું હોવાનો આક્ષેપ કરીને વૃધ્ધને ગભરાવી નાંખ્યા હતા. વૃધ્ધને આ શખસોએ ઘરની બહાર નીકળવાની મનાઈ કરી દીધી હતી. તેથી વૃધ્ધ રૂમમાં જ પુરાઈને રહેતા હતા. તેઓને એટલા ગભરાવી નાંખ્યા હતા કે, પોતે અને પત્ની બે જ વ્યક્તિ ઘરમાં રહેતા હોવા છતાં પત્નીને પણ વાત કરી ન હતી. પત્નીએ બહુ પુછતાં ડરતા-ડરતા આ વાત વૃધ્ધએ તેને કહી હતી. પત્નીએ પરિજનને ફોનથી આ વાત કરી તે સાથે જ સગાએ 1930 નંબર ઉપર કોલ કરી દીધો હતો. તા.1રમીએ ફરિયાદ નોંધાવા સાથે જામનગર સાયબર પોલીસ વૃધ્ધના ઘરે પહોંચી ગઈ હતી. ટીમ પહોંચી ત્યારે વીડિયો કોલ દ્વારા વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડીનો પ્રયાસ ચાલુ જ હતો. પોલીસ સ્ટાફે વૃધ્ધને નાણાં ટ્રાન્સફર નહીં કરવા સમજાવતા તેઓ સાયબર ફ્રોડથી બચી ગયા હતા અને ડિજિટલ એરેસ્ટથી મુક્ત થયા હતા. આ ત્વરિત કાર્યવાહી સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે વૃધ્ધના ઘરે જઈને કરી હતી. જો લોકો પોતે જાગૃતિ રાખે તો સાયબર ફ્રોડથી બચી શકે છે. આ કિસ્સામાં પત્નીની જાગૃકતા નોંધનીય રહી હતી.


  • Follow us on: