જામનગર શહેર અને જિલ્લામાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદ અને રાજ્યમાં ચાલી રહેલી બેવડી ઋતુના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. હાલ અચાનક તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જે કારણે બીમારીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વાતાવરણમાં આવી રહેલા પરિવર્તન વચ્ચે વાયરલ ઈન્ફેક્શન, શરદી અને ઉઘરસ જેવા કેસમાં મોટો વધારો થયો છે. આ વચ્ચે જામનગર જિલ્લામાં પણ રોગચાળો વકરી રહ્યો હોય તેવા આંકડા સામે આવ્યા છે.


હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

શિયાળાની શરૂઆત પહેલાં થયેલા કમોસમી વરસાદના કારણે જામનગર જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વકરતા રોગચાળાને કારણે દર્દીઓનો અનેકગણો ધસારો જોવા મળી રહ્યો છે. આ વકરતા રોગચાળામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવના રોગના દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જી. જી. હોસ્પિટલમાં સર્જાઇ છે.

શહેરમાં ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળો વકર્યો

આ વકરતા રોગચાળામાં નવેમ્બર મહિનાના દસ દિવસમાં ડેન્ગ્યૂના 30 કેસ માત્ર જી. જી. હોસ્પિટલમાં નોંધાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં ડેન્ગ્યૂના કેસોમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યૂ ઉપરાંત શરદી, ઉધરસ, તાવના વાયરલ દર્દીઓ અનેક ગણા વધારે છે. આ રોગચાળાના કારણે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓન ધસારો જોવા મળે છે. કમોસમી વરસાદ અને જામનગર શહેરમાં ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળો દિવસેને દિવસે વકરી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. જામનગર શહેરના મોટાભાગના વોર્ડના વિસ્તારોમાં સફાઇના અભાવે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી લોકો આ રોગચાળા માટે પાલિકાને પણ એટલું જ જવાબદાર માને છે.

ડૉક્ટર જી. જી. હોસ્પિટલના અધિક્ષક શું કહે છે?

જામનગર જીજી હોસ્પિટલના અધિક્ષક ડૉ. દિપક તિવારીએ જણાવ્યું હતું કે, મેડિસીન વિભાગમાં રોજ 550 થી 700 દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે. બાળકોના વિભાગમાં ઓપીડીમાં 150થી 200 દર્દી નોંધાય છે. જેમાં રોજ મેડિસીન વિભાગમાં 100થી 150 દર્દીઓ દાખલ કેસ નોંધાય છે. જ્યારે બાળકોના વિભાગમાં 70થી 75 દાખલ કેસ નોંધાય છે. હાલ ઠંડીના કારણે શરદી, તાવ, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. હાલ ડેંગ્યુના 30 પોઝિટિવ કેસ અને ચિકનગુનિયા 3 પોઝિટિવ કેસ છે. આ સાથે તેમણે લોકોને સલાહ આપતા જણાવ્યું હતું કે, ગરમ કપડા પહેરો, ગરમ ખોરાક લો અને બહારનું ખાવાનું ટાળો

  • Follow us on: