રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ખેડૂતો માટે વધુ એક મોટી મુસીબત આવી પડી છે. શિયાળુ પાકનું પિયત શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ખેતી માટે અત્યંત આવશ્યક ગણાતા DAP (ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. જસદણની સેવા સહકારી મંડળીમાં છેલ્લા સાત દિવસથી ખાતર ન આવતા ખેડૂતોમાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

જસદણમાં DAP ખાતરની અછત

શિયાળુ પાક માટે પિયતની મોસમ શરૂ થતાં જ ખાતર ન મળવાના કારણે ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા વચ્ચે, જસદણના એક ખેડૂત નિતિન ચોલિયાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વાયરલ વિડિયોમાં નિતિન ચોલિયાએ ખાતરની અછત મુદ્દે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા તેમજ વડતા સહકારી મંડળીના પ્રમુખ અરવિંદ કાગડીયાનો ઉધડો લીધો હતો. ખેડૂતે આક્ષેપ કર્યો છે કે છેલ્લા સાત દિવસથી તેઓ ખાતર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને DAP ખાતર મળ્યું નથી. ખેડૂતે ખાતર ન મળવાને કારણે પોતાના પાકને થનારા નુકસાન અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે વેદના વ્યક્ત કરી હતી.

છેલ્લા સાત દિવસથી ખેડૂતને નથી મળતું ખાતર

પરિસ્થિતિની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે ખેડૂત નિતિન ચોલિયાએ સ્પષ્ટ ચીમકી આપી કે, "જો આગામી પાંચ દિવસમાં DAP ખાતર ઉપલબ્ધ નહીં થાય તો તેઓ આત્મવિલોપન કરશે." ખેડૂત દ્વારા આપવામાં આવેલી આ ચીમકીથી સ્થાનિક વહીવટી તંત્ર અને સહકારી મંડળીમાં ખળભળાટ મચી ગયો છે.બીજી તરફ, સહકારી મંડળીના પ્રમુખ અરવિંદ કાગડીયાએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, DAP ખાતરના જથ્થા માટે પ્રયાસો ચાલુ છે, પરંતુ ખેડૂતોએ ખાતર માટે પાંચથી સાત દિવસ જેટલી રાહ જોવી પડશે.

[[$alsoread]]

ખાતર ન મળતા ખેડૂતની આત્મવિલોપનની ચિમકી

જોકે, ખેડૂતોની માંગ છે કે શિયાળુ પિયતનો સમય ચાલી રહ્યો હોવાથી તેમને વહેલી તકે અને સૌથી ઝડપથી ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે જેથી તેમના મોંઘા પાકને બચાવી શકાય. ખેડૂતોએ માગણી કરી છે કે સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે રાજકોટના જસદણ વિસ્તારમાં DAP ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ, જેથી આત્મવિલોપન જેવું કોઈ ગંભીર પગલું ન ભરવું પડે.

  • Follow us on: