જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર બે વર્ષના એક માસૂમ બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના કારણે પરપ્રાંતીય ખેત મજૂર દંપતીના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


જેતપુરમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, આરબ ટીંબડી ગામના સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂર દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું. તેમનો બે વર્ષનો પુત્ર રાજવીર સોનુભાઈ ડાવર આસપાસ રમી રહ્યો હતો. રમતા રમતા બાળક અકસ્માતે ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો. જ્યારે માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓએ તાત્કાલિક બાળકને કુંડીમાંથી બહાર કાઢ્યો હતો અને સારવાર માટે તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે બાળક રાજવીરને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

પરપ્રાંતિય શ્રમિક પરિવારના બાળકનું મોત

માત્ર બે વર્ષના માસૂમ રાજવીરનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ દંપતી માટે આ દુર્ઘટના આભ તૂટી પડવા સમાન છે.ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બનાવ અંગેની વિધિવત નોંધણી કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ખેતરોમાં કામ કરતા મજૂરો અને વાડી વિસ્તારમાં રહેતા પરિવારો માટે પાણીના ખુલ્લા સ્ત્રોતોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

  • Follow us on: