સૌરાષ્ટ્રની શાન અને જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખ સમાન ઐતિહાસિક અને પવિત્ર ગરવા ગિરનારની લીલી પરિક્રમાના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશ અને ગુજરાતના ખૂણેખૂણેથી ઉમટી પડતાં લાખો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ આસ્થાના આ મહાપર્વને સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને પ્રકૃતિમય બનાવવા તમામ યાત્રાળુઓને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી છે.

ગિરનાર અને લીલી પરિક્રમાનો પૌરાણિક તથા ઐતિહાસિક મહિમા

ગિરનારના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વનો ઉલ્લેખ કરતાં ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને ભવ્ય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારત કાળમાં પાંડવોએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી અને ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાં પણ આ ભૂમિ સાથે જોડાયેલાં છે. ચોમાસાની વિદાય બાદ કારતક માસમાં ખીલતી કુદરતી વનરાજી વચ્ચે ભવનાથ તળેટીથી શરૂ થઈ માળવેલા અને બોરદેવી જેવા સ્થળોનો 36 કિલોમીટરનો દુર્ગમ જંગલમાર્ગ પસાર કરતી આ પરિક્રમા શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.

સેવા, સમર્પણ અને સાંસ્કૃતિક સમરસતાનું પ્રતીક

આ યાત્રાને સેવા અને સમરસતાનું પ્રતીક ગણાવતાં મંત્રીએ જણાવ્યું કે, જંગલમાર્ગો પર સેંકડો સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, ચા-પાણી અને મેડિકલ કેમ્પની સેવાઓ અપાય છે, જે ગુજરાતની ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર હેઠળ અયોધ્યા, કાશી અને સોમનાથ સહિતનાં ધામોનો કાયાકલ્પ કરીને સનાતન ધરોહરને વૈશ્વિક ઓળખ અપાઈ છે.

પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ અનુરોધ

ગિરનાર એશિયાટિક સિંહો સહિત અનેક દુર્લભ વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન હોવાથી ડૉ. માંડવિયાએ શ્રદ્ધાળુઓને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક કે અન્ય કચરો ન ફેલાવવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું છે. વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરી આસ્થા સાથે પ્રકૃતિનું જતન કરીને લીલી પરિક્રમાને ‘પર્યાવરણ તીર્થયાત્રા’ બનાવવા આહ્વાન કરાયું છે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!