કેશોદ તાલુકાના બામણાસા ગામ નજીક ઓઝત નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન સામે જૂનાગઢ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, બામણાસા વિસ્તારમાં ઓઝત નદીના પટમાંથી કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વગર રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી હતી. આ માહિતીના આધારે જૂનાગઢ રેન્જ પોલીસની ટીમે સક્રિય થઈને સ્થળ પર દરોડો પાડ્યો હતો અને ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.
2 ટ્રેક્ટર, JCB અને 12 ટન રેતી સહિત 29.60 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે રેતી ખનનમાં સંડોવાયેલા 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી 2 ટ્રેક્ટર અને 1 JCB મશીન સહિત 12 ટન રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વાહનો અને રેતી મળી કુલ રૂ. 29.60 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
