ગિરનારની લીલી પરિક્રમાનો આગામી 1 નવેમ્બરથી આરંભ થશે. ભવનાથ ઉતારા મંડળ દ્વારા મળેલી મિટિંગમાં લીલી પરિક્રમાની તારીખ અને તિથી મુજબ આયોજન જાહેર કરીને આ અંગે કલેકટરને અમુક સૂચનો મોકલ્યા છે.
પરિક્રમાના સુચારુ આયોજન અંગે વહેલી તકે તંત્ર બેઠક બોલાવે તેવી રજૂઆત કરી છે. ઉતારા મંડળ-ભવનાથ દ્વારા ભક્તો માટે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ - 11 તા. 01 નવેમ્બરને શનિવારે સાધુ સંતો, ભક્તોની હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે. જ્યારે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાની પૂર્ણાહુતિ કારતક સુદ - 15 (પૂનમ) 5 નવેમ્બરે રાત્રિએ થશે. જુનાગઢ જિલ્લા કલેકટર આવનારી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા - 2025 બાબતે બેઠક દિવાળી પહેલા બોલાવી સત્વરે કાર્યવાહી પૂર્ણ થાય તેવું આયોજન કરે. વન વિભાગ દ્વારા ઉપરોક્ત તારીખોને લઈને જરૂરી રોડ રસ્તા, સાફ્ સફઇ, વન્ય પ્રાણીઓને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જવા તેમજ જરૂરી સૂચનના માહિતી બોર્ડ લગાવીને કામગીરી સત્વરે શરૂ કરવી. રેલવે તેમજ એસ.ટી. વિભાગ દ્વારા આવવા જવાની વ્યવસ્થા કરવી. મહાનગરપાલિકા દ્વારા દરેક જગ્યાએ જરૂરી માહિતી બોર્ડ સરખા કરવા સહિતના સૂચનો થયા હતા.










