જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાં પાયે કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024-25 માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા 1.70 લાખની સહાય આપવામાં આવે છે. જેનો લાભ લઇ જે લોકો બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય તેવા લોકોને સહાય આપવામાં હોય છે. પરંતુ માંગરોળ તાલુકાના મોટાભાગના ગામોમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન 700થી વધારે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે.
2014-15ના બનાવેલા મકાનને 2024-25ના બતાવી દીધા
જ્યારે સંદેશ ન્યુઝ દ્વારા માંગરોળના શેખપુર ગામની મુલાકાચ લેવામાં આવી હતી જેમાં લાભાર્થીઓએ વર્ષ 2014-15માં મકાન બનાવ્યા હતા. તે મકાનોને વર્ષ 2024-25માં બતાવી દેવામાં આવ્યા છે. લાભાર્થીઓને અમુક રકમ ચુકવી તેમની પાસેથી મોટાપાયે રકમ લઇને 1 કરોડથી વધુની રકમનું કૌભાંડ આચર્યુ છે. રિયાલિટી ચેક દરમિયાન લાભાર્થીએ સ્વીકાર્યુ કે વર્ષ 2014-15માં તેઓના મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને 1018માં જ મકાનનું કામ પૂર્ણ થઇ ગયુ હતું.અત્યાર સુધીમાં તેમને 1.10 લાખની સહાય મળી છે. લાભાર્થીનું કહેવું છે કે તેમના જૂના મકાન પાસે ઉભા રાખીને ફોટોગ્રાફ્સ લઇ રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ સમગ્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલાં કૌભાંડને લઇને માંગરોળના ધારસભ્ય ભગવાનજી કરગઠીયાને ફરિયાદ મળતા તેમણે મુખ્યમંત્રીને તપાસ માટેની રજૂઆત પણ કરી છે. ભાજપના ધારાસભ્ય હોવાથી ખોટી રીતે તેમની બદનામી થઇ રહી હોવાથી તેને અટકાવવા પણ રજૂઆત કરી છે. આ વાતને ધ્યાને લઇ સીએમ ભુપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે અને જૂનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ અંગે તપાસ શરૂ કરી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની સહાય બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવતી હોય છે. પરંતુ છેવાડાના માનવી સુધી આ સહાયની રકમ પહોંચતી નથી અને તેનો લાભ અધિકારીઓ લઇ જતા હોય છે.









