હાલ જ્યારે દિવાળીના તહેવારને લઈ રજાઓ માણવા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્ર,ગિરનાર પર્વત અને જૂનાગઢના વિવિધ પર્યટક સ્થળોએ જતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોમાં જૂનાગઢ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દિવાળીના સમયે જૂનાગઢમાં પ્રવાસીઓની સંખ્યા વધી
ત્યારે જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપવે મારફત ગીરનાર જતા જોવા મળ્યા હતા. ગિરનાર ફરવા આવતા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં રોપવે મારફત જૈન દેરાસર તેમજ માં અંબાના દર્શન કરવા જૂનાગઢ પહોંચ્યા હતા, ઉપરકોટનું રીનોવેશન તેમજ રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે નવા રંગ રૂપ સાથે ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકતા દિવસે ને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
એશિયાટીક સિંહોની સંખ્યા સૌરાષ્ટ્રમાં વધુ છે
ઉપરકોટમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપરકોટ ખાતે સાયકલિંગ ,બાળકો માટે અલગ અલગ રાઈડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલનો લોકો આનંદ માણ્યો હતો. હાલ દિવાળીની રજાના દિવસોમાં ઉપરકોટ ખાતે દરરોજના 10,000 થી વધુ પ્રવાસીઓ અને રોપવે ખાતે 4,000 થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે દિવાળીના વેકેશનમાં સાસણ અને ગીર સોમનાથ આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે, કુદરતના ખોળે એશિયાટિક સિહોને જોવાનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે, જૂનાગઢ જીલ્લો એ ગુજરાત રાજ્યની પર્યટનની રાજધાની છે ત્યારે એશિયાટિક સિંહો એ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને અલગ ઓળખ પણ આપી છે.
અલગ-અલગ જિલ્લામાંથી સિંહ દર્શન માટે આવી રહ્યાં છે લોકો
વિદેશથી લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ આવતા હોય છે અને તાજેતરમાં થયેલી સિંહી વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને સિંહની વસ્તીમાં પણ ખાસ તો એવો વધારો થયો છે જેમાં 891 સિહો હાલ ગીર જંગલ વિસ્તારમાં નોંધાયા છે ત્યારે તેની ઉત્તરોત્તર વૃદ્ધિને કારણે એશિયાટિક સિંહો ને જોવાનો અનેરો લ્હાવો છે, બીજી તરફ ગુજરાત ભરના લોકો માટે સાસણ એક પર્યટન હબ બન્યું છે સાસણમાં ઊભી થયેલી વિવિધ સુવિધાઓને લઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે ખાસ કરીને સિહોના સંવર્ધનને લઈને જે વસ્તી વધારો નોંધાયો છે તે ઉપરથી લોકો અહીં સિંહ દર્શન માટે આવી રહ્યા છે.
ગીર જંગલમાં કુદરતના ખોળે ડાલા મથ્થાઓને નિહાળીને આનંદ મેળવી રહ્યા છે
સિંહોના સંવર્ધન અને સંરક્ષણ ને લઈને વન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેને લઈને સાસણ ગીર જંગલ વિસ્તારમાં 891 સિંહો વન વિભાગના ચોપડે નોંધાયા છે ત્યારે સિંહ જોવાનો અનેરો આનંદ લોકોમાં ઊભો થયો છે, આમ જૂનાગઢ જિલ્લામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.









