જૂનાગઢ શહેરનો વધતો વિસ્તાર અને વધતી વસ્તીને ધ્યાને રાખીને વર્ષ ૨૦૨૩ માં સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા રાજ્યના ગૃહવિભાગમાં શહેરમાં ડી ડિવીઝન પોલીસ સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત મોકલી હતી, જેને ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ ગૃહ વિભાગની ફાઈલોમાં અટવાયેલી પડી છે.

નવું જૂનાગઢ ખુબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે

નવાબી નગરી એવી જૂનાગઢ શહેરમાં હવે વસ્તી અને વિસ્તાર વધ્યો છે, હાલ જુનું જૂનાગઢ અને નવું જૂનાગઢ એમ બે ભાગ થયા છે, જુના વિસ્તારમાં હજુયે અનેક નવાબી સમયની મિલકતોમાં લોકોનો વસવાટ છે, તો બીજી તરફ વર્ષો વીતી ગયા પછી શહેરની બીજી તરફ નવું જૂનાગઢ ખુબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આમ જોઈએ તો છેક વંથલી પોલીસ સ્ટેશનની હદ સુધી શહેરનો વ્યાપ વધી રહ્યો છે.

સરકારના ગૃહવિભાગમાં એક એવી દરખાસ્ત મોકલી હતી

જેને લઈને વર્ષ ૨૦૨૩ ની સાલમાં સ્થાનિક પોલીસ વિભાગે રાજ્ય સરકારના ગૃહવિભાગમાં એક એવી દરખાસ્ત મોકલી હતી, જેમાં શહેરમાં હાલ કાર્યરત એ ડીવીઝન, બી ડીવીઝન, અને સી ડીવીઝન, ઉપરાંત નવું ડી ડિવીઝન પોલીસ સ્ટેશન બનાવવા માટે આખોયે રીપોર્ટ ગૃહવિભાગને મોકલ્યો હતો. પરંતુ તેને ત્રણેક વર્ષ થવા આવ્યા છતાં તે રીપોર્ટ અને દરખાસ્ત હજુયે ગાંધીનગર ખાતે ગૃહવિભાગમાં ધૂળ ખાઈ રહ્યો છે.

ડી ડિવીઝનમાં ક્યાં ક્યાં વિસ્તારોનો સમાવેશ થશે

ડી ડિવીઝન પોલીસ સ્ટેશન મંજુર થશે તો, તેમાં શહેરની કલેકટર કચેરી, એસપી કચેરી, મોતીબાગ સર્કલથી સરદારબાગ સુધીનો વિસ્તાર, ઝાંસીના પુતળા સુધીનો રોડ, ચોબારી ફાટકથી મધુરમ વિસ્તાર, ટીંબાવાડી, અને છેક વંથલી પોલીસ સ્ટેશનની હદ સુધીનો વિસ્તારનો સમાવેશ થશે. જે વિસ્તાર હાલના સમયમાં સી ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જેનાથી સી ડિવીઝન પોલીસ સ્ટેશનનો ભાર હળવો થશે, પરંતુ અમુક ગામડાઓ સી ડિવીઝનમાં જશે.

સી ડિવીઝનમાં તાલુકાના અમુક ગામડાઓનો સમાવેશ

તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અમુક ગામડાઓ જેવા કે, ઇવનગર, પ્લાસવા, પાદરીયા, વિજાપુર, ડુંગરપુર, સોળવદર સહિતના અનેક ગામોનો તાલુકા પોલીસ સ્ટેશનમાંથી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરાશે. કારણ કે, તાલુકા પોલીસને તે ગામડાઓમાં કોઈ ઘટના બને તો આખું જૂનાગઢ શહેર ફેંદીને ત્યાં પહોંચવું પડે છે. જો તે ગામડાઓ સી ડિવીઝનમાં આવી જાય તો ત્વરિત કામગીરી માટે સરળતા ઉભી થાય એમ છે.

૨૦૧૩ પછી શહેરમાં નવું પોલીસ સ્ટેશન બન્યું જ નથી

શહેરની વધતી વસ્તી અને વિસ્તારને ધ્યાને લઈને ડી ડિવીઝન પોલીસ સ્ટેશન માટે દરખાસ્ત તો કરવામાં આવી છે, પરંતુ ભૂતકાળની સ્થિતિ જોઈએ તો, શહેરમાં ૧૯૯૮ સુધી શહેરમાં એકમાત્ર સીટી પોલીસ સ્ટેશન કાર્યરત હતું, તેના પછી શહેરમાં એ ડિવીઝન અને બી ડિવીઝન પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા હતા, તેના પછી છેક ૧૫ વર્ષ પછી એટલે ૨૦૧૩ માં સી ડિવીઝન પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું, તેને હાલના સમયમાં ૧૪ વર્ષ થવા આવ્યા છે.

તાલુકાના અમુક ગામડાઓનો બિલખામાં સમાવેશ કરાશે

તાલુકા પોલીસ સ્ટેશનનો ભાર હળવો કરવા માટે અમુક ગામડાઓનો સીટીના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવશે, તેવી જ રીતે અમુક ગામડાઓ જેમ કે, જામકા, બગડુ, મેવાસા, બાવાના, આણંદપુર, ખડિયા, તોરણીયા, સુથાણા, પાતાપુર, ઇટાળા સહિતના ગ્રામ્ય વિસ્તાર બિલખા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા ગૃહવિભાગમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. પરંતુ તે હજુ દરખાસ્ત પેન્ડીંગ છે. જેને વહેલી તકે મંજુરી આપવામાં આવે તો વધુ સરળ કામગીરી બનશે.