શિક્ષણમાં ચાલતી લાલિયા વાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જૂનાગઢના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં આવેલી ગ્રાન્ટેડ હાઈ સ્કુલ અતિશય જર્જરીત બની ચૂકી છે અને ભયના ઓથાર હેઠળ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.


વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે
ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે ત્યારે બીજી તરફ મૂળ પાયાની જરૂરિયાત એવી ઇમારતોમાં જ લૂણો લાગી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જો બિલ્ડીંગ જ જર્જરીતે હશે તો બાળકો ખુલ્લા મને અભ્યાસ કેવી રીતે કરશે કારણ કે ગમે ત્યારે છતનો ભાગ પડી જાય તેવી સતત ચિંતા સતાવતી હોય છે આવો જ જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકાની લીમધ્રા હાઈ સ્કૂલમાં બની રહ્યું છે, જ્યાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

વાલીઓમાં રોષ ફેલાયો
સ્કૂલની ઈમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપડા જ જોવા મળે છે અને ખીલાસરીઓ પણ બહાર નીકળી ગઈ છે છત પણ અત્યંત જર્જરીત હાલતમાં છે, તેમજ બહારથી બિલ્ડીંગ પણ ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તેમ છતાં ગ્રાન્ટેડ શાળા મંડળના સંચાલકો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી વાલીઓમાં રોષ ફેલાયો છે.

શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ દિવસની અંદર બાળકોને અન્ય જગ્યાએ ખસેડવા સૂચના આપી
બીજી તરફ ધોરણ નવ અને દસમા અભ્યાસ કરતા બાળકો વચ્ચે એક જ વર્ગ શિક્ષક છે અને તે જ પ્રિન્સિપાલ છે જેની જવાબદારી આ તમામ બાળકોની છે હાલ તો બાળકો ભય વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અવારનવાર ટ્રસ્ટી મંડળનું પણ ધ્યાન દોરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી બાળકોને ના છૂટકે અહીં બેસીને જ અભ્યાસ કરવો પડે છે ત્યારે શાળાના આચાર્ય દ્વારા પણ દ્રષ્ટિ મંડળને તાત્કાલિક અન્ય વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ દિવસની અંદર બાળકોને ભાડાના કે અન્ય સલામત સ્થળે અભ્યાસ કરાવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
 
  • Follow us on: