કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા અને ખેતી કે પશુપાલનના કામે જતી મહિલાઓને દારૂડિયા હેરાન પરેશાન કરતાં હોવા બાબતે ગ્રામ પંચાયતના મહિલા સરપંચે લેખિતમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હોવા છતાં કેશોદ પોલીસ દ્વારા કોઈ પ્રકારની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં અંતે ભેંસાણ મેંદરડાની જેમ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવતાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કેશોદના ભાટ સીમરોલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મેનાબેન ચુડાસમાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ હપ્તા લેતી હોય ત્યારે અમે જન પ્રતિનિધિની ફરીયાદ ધ્યાને લેતાં નથી. કેશોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ હજુ સુધી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. કેશોદના મોટી ઘંસારી ગામે જવાના રસ્તે દેહવ્યાપારનો ધંધો ચાલતો હોય જનતા રેડ દરમ્યાન ચાર મહિલાઓ ઝડપાઈ હતી. જેને પોલીસને સોંપવામાં આવી ત્યારે પણ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નહોતો. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરાવે એવી માગ ઉઠી છે.










