સૌરાષ્ટ્રની ટૂરિઝમ સર્કિટ દીવ, સોમનાથ, સાસણ અને ગિરનાર છે. અહી સાતમ-આઠમના તહેવારોમાં હજારોની સંખ્યામાં પર્યટકો મીની વેકેશન ગાળવા ઉમટી પડયા હતા.


ખાસ કરીને દીવ-સોમનાથથી આવતા અને જતી વેળાએ મોટા ભાગના પ્રવાસીઓએ સાસણમાં પણ સમય વિતાવતા અહીં ત્રણેક દિવસ સુધી 1,000 જેટલા નાના-મોટા રિસોર્ટ, ફર્મ હાઉસ અને હોટેલોમાં હાઉસફુલના દૃશ્યો જોવા મળ્યા હતા. એશિયાટિક સિંહોના ઘર સાસણમાં અને તેની આસપાસના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પ્રકુતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, ચોમાસામાં વનરાઈઓમાં લીલુંછમ વાતાવરણ અને તેમાંય ખાસ કરીને દેવળિયા સફરી પાર્કમાં વન્ય પ્રાણીઓને નિહાળવાનો લ્હાવો આ ત્રણ દિવસ હજારો પ્રવાસીઓએ ઉઠાવ્યો હતો. ચોમાસું સત્ર હોવાથી ગીર અભયારણ્ય બંધ હોવા છતાં દેવળિયા સફરી પાર્કમાં વન્યપ્રાણીઓને નિહાળવા અને સનસેટ પોઈન્ટ, સાસણ સિંહ સદનમાં મ્યુઝિયમ, જમજીર ધોધ સહિતના અનેક સ્થળે પ્રવાસીઓ ફ્રવા માટે આવી પહોંચ્યા હતા.

સાસણગીર આસપાસના અનેક રમણીય કુદરતી સ્થળો

જૂનાગઢ : સાસણ ગીર આસપાસમાં અનેક એવા રમણીય સ્થળો આવેલા છે કે જ્યાં ત્રણ દિવસ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને કોડિનારથી 20 કિમી દૂર જમજીર ધોધ જે શિંગોડા નદીના કાંઠે છે, તે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. સાથે ઘાંટવડ ગામે આવેલ રૂદ્રેશ્વર મહાદેવનું મંદિર, જામવાળાથી 25 કિમી દૂર જંગલમાં આવેલ બાણેજ. કનકાઈ માતાજીની મંદિર, ગીર ગઢડાથી 5 કિમી દૂર દ્રોણેશ્વર મહાદેવનું મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલું છે. અહીં ગીરમાંથી પસાર થતી સાત મુખ્ય નદીઓ હિરણ, શેત્રુંજી, ધાતરવડી, શિંગોડા, મછુન્દ્રી, ઘોડાવડી, રાવલ નદીમાં હાલ ભારે પાણી આવ્યા છે.


  • Follow us on: