જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલી એક બેકાબૂ કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકને સખત અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર પતિ-પત્ની દૂર જઈને ફેંકાયા હતા.
પતિ-પત્નીનું ઘટના સ્થળે જ નીપજ્યું કરૂણ મોત
આ ભયાનક અકસ્માતમાં બાઈકસવાર પતિ અને પત્ની બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવતા સ્થાનિક વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને અરેરાટી વ્યાપી ગઈ છે.
અકસ્માતના રુંવાડા ઊભા કરી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં કારચાલકની બેદરકારી અને પુરઝડપે આવતી કારે બાઈકને ઉડાડી મૂકી હોવાના ભયાનક દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પોલીસે સ્થળ પર પહોંચી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ