જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલા ભાટગામમાં દીપડાના આતંકથી ભયનો માહોલ ફેલાયો છે. એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં દીપડાના હુમલાથી બચવાના પ્રયાસમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. એક દીપડો ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને તેણે એક ઘેટાંનું મારણ કર્યું હતું.
ઘરમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી
આ જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દીપડો અચાનક એક ઘરમાં ઘૂસી જતા પરિવારના સભ્યોમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. આ ભાગદોડ અને ગભરામણમાં બે લોકો પડી જવાથી સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.













