ગિરનારની યાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ગિરનાર આરોહણ-અવરોહણ કરતા યાત્રાળુઓની સચોટ માહિતી રાખવા માટે આવતીકાલથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.તંત્રનો આ નવો નિયમ નવી સીડી, જૂની સીડી તેમજ રોપવે મારફતે ગિરનાર ઉપર જતા તમામ યાત્રાળુઓને એકસમાન રીતે લાગુ પડશે.

ગિરનાર પર હવે એન્ટ્રી ફરજિયાત કરાઈ

આ નવી વ્યવસ્થા અંતર્ગત યાત્રાની શરૂઆત કરતી વખતે યાત્રાળુઓએ એન્ટ્રી પોઈન્ટ પર પોતાની 'IN' એન્ટ્રી કરાવવાની રહેશે.જ્યારે ગિરનાર પરથી પરત ફરતી વખતે એક્ઝિટ પોઈન્ટ પર 'OUT' એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે.જે યાત્રાળુઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરી શકે, તેમના માટે તંત્ર દ્વારા સ્થળ પર જ ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.સુરક્ષાના આ કડક આયોજન ભાગરૂપે હવેથી ગિરનાર આવતા તમામ યાત્રાળુઓએ પોતાનું અધિકૃત ઓળખ કાર્ડ સાથે રાખવું ફરજિયાત રહેશે.કોઈ અનિચ્છનીય ઘટના કે કટોકટીના સમયે ગિરનાર પર્વત પર કયા અને કેટલા યાત્રાળુઓ હાજર છે તેની ચોક્કસ માહિતી મળી રહે

ગિરનારમાં પાંચ ટૂંક માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જાહેરનામા અનુસાર,ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા,વિવાદાસ્પદ ભાષણો આપવા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઉડ સ્પીકર કે અન્ય વાજિંત્રો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સમગ્ર ભવનાથ અને ગિરનાર ટૂંક પર કોઈ પણ વ્યક્તિ ઘાતક હથિયારો સાથે રાખી શકશે નહીં.યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક શાંતિ ભંગ ન થાય તે માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.

તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ શખ્સ વિરુદ્ધ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં અને તેમની સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક પોલીસ દ્વારા પણ ભવનાથ અને ગિરનારના રૂટ પર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે.

આ પણ વાંચોઃ India News: વડાપ્રધાન મોદીએ પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા, જુઓ Video