જૂનાગઢમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતીનો ગેરલાભ ઉઠાવીને વર્ષ 2023 થી 25 દરમ્યાન મધુરમ વિસ્તારમાં રહેતા પ્રફુલ ઉર્ફે પ્રથમ વેગડા અને તેના મિત્ર ભરત ચાવડાએ અવારનવાર દુષ્કર્મ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. 27 વર્ષીય ભોગ બનનાર યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
નોકરી આપવાની લાલચ આપી દુષ્કર્મ
વર્ષ 2023 થી 2025 દરમિયાન અભ્યાસ કરતી યુવતીને આર્થિક જરૂરિયાત હતી, જેના કારણે તેનો સંપર્ક નોકરીની જાહેરાત દ્વારા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા પ્રફુલ ઉર્ફે પ્રથમ વેગડા સાથે થયો હતો. પ્રફુલ વેગડાએ યુવતીને આર્થિક મદદ અને નોકરી આપવાની લાલચ આપીને સૌપ્રથમ મધુરમ ખાતે તેના ઘરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી પ્રફુલ યુવતીને બ્લેકમેલ કરીને અને તેના પરિવારને જાણ કરવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ સતત દુષ્કર્મ આચરતો રહ્યો.
યુવતીને બ્લેકમેલ કરીને મરજી વિરુદ્ધ સતત દુષ્કર્મ
ત્યારબાદ, પ્રફુલના મિત્ર ડુંગરપુર ગામના ભરત ચાવડાએ પણ આ સંબંધોની જાણ યુવતીના પરિવારને કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરી હતી. ભરત ચાવડાએ પણ જયશ્રી રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આમ, પ્રફુલ વેગડા અને ભરત ચાવડા બંનેએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ગંભીર ગુનાની ફરિયાદ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી ભરત ચાવડાની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી પ્રફુલ ઉર્ફે પ્રથમ વેગડાને ઝડપી પાડવા માટે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.