બોટાદના સાળંગપુર મંદિરમાં સ્થાપિત કરાયેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' અગાઉ ભીંતચિત્રોના વિવાદ બાદ હવે કાનૂની ટ્રેડમાર્ક અને કોપીરાઇટના કારણે ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. મંદિર પ્રશાસન દ્વારા મૂર્તિ અને તેના નામ પર કોપીરાઇટ સર્ટિફિકેટ લેવાના નિર્ણય સામે ગુજરાતભરના સાધુ સંતો અને અખાડાના વડાઓએ પ્રચંડ મોરચો ખોલ્યો છે.


દેવી-દેવતા કોઈ સંપ્રદાયના નથી, તે સૌના છે: મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી

આ વિવાદ પર પોતાનું આકરું નિવેદન આપતા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ જણાવ્યું છે કે, "દેવી-દેવતાઓના દિવ્ય સ્વરૂપ પર ક્યારેય કોઈ કોપીરાઇટ કે પેટર્ન હોઈ શકે જ નહીં. ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક છે અને તે દરેક ભક્તના છે, કોઈ ચોક્કસ સંપ્રદાય કે સંસ્થા તેના પર પોતાનો કાનૂની હક જતાવી શકે નહીં."

હનુમાનજીના નામે રોટલા શેકનારા વખોડવાને લાયક: બાબા જ્યોતિર્નાથ

રાજકોટથી સનાતન ધર્મના અગ્રણી સંત બાબા જ્યોતિર્નાથ મહારાજે આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું છે કે, "સનાતનના દેવી-દેવતાઓને કોઈ પેટર્નમાં બાંધી શકાય નહીં. જે લોકો સનાતન ધર્મનું અપમાન કરવાનું, આપણા દેવી-દેવતાઓને નીચા અને ઉતારી પાડવાનું કામ કરી રહ્યા છે તે સરેઆમ વખોડવાને લાયક છે. હનુમાનજીના નામે પોતાના રોટલા શેકીને સંપ્રદાય ચલાવતા લોકોનો સનાતન ધર્મ ખુલ્લેઆમ વિરોધ કરે છે."

સ્વામીનારાયણના સંતોને કઈ ભાષામાં સમજાવવું?: સુખરામદાસ બાપુ

બીજી તરફ, સાધુ-સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢના ખાખીમઢી આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ પણ પોતાનો પ્રચંડ આક્રોશ ઠાલવ્યો છે. તેમણે સીધો સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભગવાન ઉપર ક્યારેય કોપીરાઇટ ન હોય. સ્વામીનારાયણના સંતોને હવે કઈ ભાષામાં સમજાવવું એ જ મોટો પ્રશ્ન છે."ગુજરાતના સનાતની સંતોની સ્પષ્ટ માંગ છે કે સાળંગપુર મંદિર દ્વારા મૂર્તિ અને ટ્રેડમાર્કના નામે લેવાયેલા તમામ કાનૂની નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં આ મામલે સાધુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન અને બહિષ્કારના પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ, તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે

  • Follow us on: