ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર સિંહોની નગરી કહેવાય છે, એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન સમાન સાસણ ગીર અને ગિરનારનું જંગલ જ્યાં સાવજોનો વસવાટ છે. અહીં ગિરનાર જંગલમાંથી અવાર-નવાર સાવજો જૂનાગઢ શહેરમાં આવી ચડે છે, તેવો જ એક વીડિયો આજે વાયરલ થયો જે વીડિયો જોઈને રૂવાડા ઉભા થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સિંહ ફરીથી રોડ ક્રોસ કર્યા વગર જંગલ વિસ્તારમાં જતો રહ્યો
માત્ર 17 સેકન્ડના વાયરલ વીડિયોમાં એવું નજરે પડે છે કે એક વનરાજ ગિરનાર જંગલમાંથી બહાર નીકળીને ધરાનગર ગેઈટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે અચાનક રોડના કાંઠે આવી ચડ્યો, પરંતુ તે સમયે ઢળતી સાંજનો સમય હતો અને અનેક વાહનો અહીંથી પસાર થતા હતા. રોડ ઉપર વાહનોની વણઝારને લઈને ડાલામથ્થો રોડ ઉપર ડોકું કાઢ્યું ત્યાં તો રસ્તા પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. પરંતુ સિંહે માત્ર એક જ ઝલક બતાવી અને સેકન્ડોમાં સિંહ ફરીથી રોડ ક્રોસ કર્યા વગર જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો.
વાહન ચાલકોએ સિંહ દર્શનનો લાભ ઉઠાવ્યો
જો કે આ સમયે ગિરનાર રેન્જનો વનવિભાગનો સ્ટાફ સજ્જ હતો અને સ્ટાફ દ્વારા સિંહ ઉપર સતત મોનિટરીંગ રાખવામાં આવ્યું હતું અને દોઢ કલાક સુધી સિંહ પર નજર રાખીને અંતે જંગલ તરફ વાળ્યો હતો. આ ઘટના સિવાય આજે જૂનાગઢમાં વહેલી સવારે વાણંદ સોસાયટીમાં રબારીનેશમાં પણ એક સિંહ આવી ચડ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયેલો છે, ત્યારે આજે જે રીતે ધરાનગર પાસે સિંહ રોડ ઉપર આવી ચડ્યાનો વીડિયો વાયરલ થતા અનેક વાહન ચાલકોએ સિંહ દર્શનનો લાભ ઉઠાવ્યો હતો.









