જૂનાગઢમાં આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તારીખ 4 ઓક્ટોબર, 2025ની રાત્રે મૂર્તિ ખંડિત કરવાની જે શરમજનક ઘટના બની હતી, તેનો ભેદ જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. આ કૃત્યનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ એક પગારદાર સેવાદાર (પુજારી) નીકળ્યો હતો.
લાઇમલાઇટમાં આવવા માટે ઘડાયું ષડયંત્ર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સેવાદારે કોઈ ધાર્મિક કે અંગત દ્વેષને બદલે માત્ર અને માત્ર લાઇમલાઇટમાં આવવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. કિશોર કુકરેજા, મૂળ મહારાષ્ટ્રનો અને છેલ્લા અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતો, મંદિરનો પગારદાર સેવાદાર અને ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ. રમેશ ભટ્ટ, કિશોર કુકરેજાનો સાથીદાર.
પોલીસની સઘન તપાસ
આ ગંભીર ઘટના બાદ પોલીસે કેસનો ભેદ ઉકેલવા માટે કુલ 10 ટીમો અને ખાસ નેત્રમ ટીમને કામે લગાડી હતી. પોલીસે તળેટીની હોટલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા અનેક લોકોની પૂછપરછ કરી હતી. અંતે, પગારદાર સેવાદાર કિશોર કુકરેજાની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે આખો ગુનો કબૂલ્યો હતો અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
મૂર્તિનું પુનઃસ્થાપન કરી દેવામાં આવ્યું
નોંધનીય છે કે, મૂર્તિ ખંડિત થવાની ઘટનાના બીજા જ દિવસે સાધુ-સંતો અને વહીવટી તંત્રની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિનું પુનઃસ્થાપન કરી દેવામાં આવ્યું હતું. આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર મુખ્ય આરોપી મંદિરનો જ પુજારી હોવાનું ખુલતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં આશ્ચર્યની સાથે ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.