ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. કચ્છના ઉદ્યોગકારોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને ડીઝલ ફાળવણીની નીતિ સામે વાંધો વ્યક્ત કર્યો છે. ઉદ્યોગકારોએ ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના તાજેતરના પરિપત્રનો ઉલ્લેખ કરીને આ નિર્ણયને ફરીથી વિચારવાની માગ કરી છે.

ઓપરેશનલ કામોને થશે અસર

પત્રમાં જણાવાયું છે કે કચ્છ વિસ્તારમાં ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર માટે ડીઝલની ફાળવણી હાલની નીતિ મુજબ પૂરતી નથી. ખાસ કરીને ખેડૂતોને માત્ર 200 લિટર અને મોટા ઉદ્યોગો તેમજ ઓપરેશનલ કામો માટે માત્ર 1000 લિટર ડીઝલ ફાળવવામાં આવે છે, જે વાસ્તવિક જરૂરિયાત સામે ઘણું ઓછું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે કચ્છ એક ઔદ્યોગિક અને કૃષિ દૃષ્ટિએ મહત્વપૂર્ણ જિલ્લો છે, જ્યાં ખનીજ, મીઠા ઉદ્યોગ, પરિવહન અને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ચાલે છે. આવા પરિસ્થિતિમાં ડીઝલની મર્યાદિત ફાળવણીથી ઉત્પાદન અને દૈનિક કામગીરી પર સીધી અસર પડે છે.

ડીઝલ પુરવઠા વગર ઉદ્યોગોનું સંચાલન મુશ્કેલ

ઉદ્યોગોએ સરકારને વિનંતી કરી છે કે ડીઝલ ફાળવણીની વર્તમાન મર્યાદાને તાત્કાલિક રીતે સુધારવામાં આવે અને કચ્છના ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમનું કહેવું છે કે યોગ્ય ડીઝલ પુરવઠા વગર ઉદ્યોગોનું સંચાલન મુશ્કેલ બની શકે છે અને આર્થિક પ્રવૃત્તિઓ પર નકારાત્મક અસર પડી શકે છે. હાલમાં આ મુદ્દો રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમના રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરશે.

આ પણ વાંચો : Gir Somnath : તાલાલાનો વિવાદિત યુટ્યુબર "રોયલ રાજા" પોલીસના સકંજામાં, ઘરેથી મળ્યો દારૂનો મોટો જથ્થો