મહેસાણા જિલ્લાના કડીમાં વાલીઓ માટે અત્યંત ચેતવણીરૂપ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કડીના કરણનગર રોડ પર આવેલા સુકન બંગલોઝમાં ગુરુવારે સાંજે રમતા રમતા એક સાત વર્ષની બાળકી કપડાં મૂકવાના કબાટમાં પુરાઈ જતાં ગૂંગળાઈને મૃત્યુ પામી હતી.


માતા ધાબા પર હતા, નીચે આવીને બાળકી ગુમ થઈ

મળતી માહિતી મુજબ બાળકીના માતા સ્વાતિબેન જ્યારે ઘરના ધાબા પર કામ પતાવી રહ્યા હતા, ત્યારે તેમની ૭ વર્ષની દીકરી ઈશા (એશા) ઘરમાં રમી રહી હતી. સ્વાતિબેન ધાબાનું કામ પતાવીને નીચે આવ્યા ત્યારે તેમને ઈશા ઘરમાં ક્યાંય દેખાઈ નહીં. તેમણે ઘરમાં બાળકીની શોધખોળ શરૂ કરી, પરંતુ તે મળી નહીં. અંતે, જ્યારે તેમણે કપડાં મૂકવાનો કબાટ ખોલ્યો, ત્યારે તેમની સાત વર્ષની દીકરી ઈશા અંદર મૃત હાલતમાં મળી આવી હતી.

વાલીઓ માટે ગંભીર ચેતવણી

પ્રાથમિક તારણ મુજબ, રમતા રમતા ઈશા અજાણતામાં કબાટની અંદર જતી રહી હશે અને દરવાજો બંધ થઈ જતાં પૂરતી હવા ન મળવાને કારણે ગૂંગળાઈ જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના નાના બાળકોના માતા-પિતા માટે અત્યંત ગંભીર ચેતવણીરૂપ છે કે બાળકોને બંધ જગ્યાઓ, ખાસ કરીને કબાટ, ફ્રિજ કે અન્ય બંધ બોક્સથી દૂર રાખવા જરૂરી છે. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ માસૂમ બાળકીના મૃત્યુથી સુકન બંગલોઝ અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

  • Follow us on: