ગુજરાતમાં આજે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીને લઈને સવારથી જ મતદાન થઈ રહ્યું છે. કડીમાં પેટાચૂંટણીમાં થતા મતદાનને લઈને તંત્ર સુસજ્જ હોવાનું સામે આવ્યું છે. કડીમાં મતદાન પ્રક્રિયા પર વેબકાસ્ટિંગથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં કડીમાં 294 બુથ પર મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ક્ષેત્રના તમામ 294 મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ હેઠળ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રાંત અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી કે અમે ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરી રહ્યા છે. ચૂંટણી પંચ મુજબ પારદર્શિતા હેઠળ ચૂંટણી પ્રક્રિયા થાય માટે તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તમામ બુથનું એક જ જગ્યાએ CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવી છે. 11 વાગ્યા સુધીમાં 23.85 ટકા મતદાન થયું છે. વરસાદી માહોલ વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.
કોંગ્રેસ નેતાનો આક્ષેપ
વધુમાં તેમણે કહ્યું કે કડીમાં 106 સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે. જો કે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. અને અત્યાર સુધીમાં કોઈપણ મતદાન મથક પર બોગસ વોટિંગ કે પછી કોઈ અનિચ્છનીય બનાવ બન્યાનું સામે આવ્યું નથી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે તંત્રના પ્રયાસ સાથે લોકો પણ સહયોગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સવારે કડીના કુંડામાં કોંગ્રેસ ઉમેદવાર દ્વારા મતદાન મથકો પર બોગસ એજન્ટ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે તેમણે બુથ મથકો પર પોલીસ સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે પારદર્શિતા ચૂંટણીને લઈને તંત્રના પ્રયાસ સામે આવ્યા છે.