ઈકોગાડી લઈને પત્ની, દીકરા દીકરી તેમજ માતા સાથે ડભોઈ ખાતે મામાના ઘરે જઈ રહેલા ગાડીના ચાલકે આમોદ - કરજણ રોડ ઉપર સુમેરુથી થોડે આગળ ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી મોટર સાઈકલ આવતાં ઈકો ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી રોડની બાજુમાં આવેલ પાણીના કાંસમાં ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેથી માતાને ગંભીર ઇજા થતાં મરણ થયાનું સૂત્રો જણાવે છે. જ્યારે અન્યને શરીરે ઇજાઓ થઇ હતી.


મળતી માહિતી અનુસાર, ભરૂચ નેશનલ પાર્ક બાયપાસ ચોકડી પાસે રહેતાં જેનુલ આબેદ્દીન અબ્દુલ અજીજ ખત્રી (ઉ.43) આજરોજ સવારના દશેક વાગે તેમની પત્ની ફ્જિલા (ઉ.39), ત્રણ દીકરા - દીકરી ફૈઝલ (ઉ.20), ફૈઝા (ઉ.19) અને મહમદ જિયાદ (ઉ.14) તેમજ માતા નઝમાબેન (ઉ.70) એમ પરિવાર સાથે તેમના મિત્રની ઈકો ગાડી લઈને ડભોઈ ખાતે રહેતાં તેમના મામાના ઘરે જવા માટે નીકળ્યા હતાં.

 દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થઈને માતર ટોલનાકેથી ઉતરી આમોદ કરજણ રોડ પર જતાં હતાં. તે દરમિયાન મિયાગામ પસાર કરી કરજણ સુમેરુ હોસ્પિટલથી પસાર થતી વેળાએ ઈકો ગાડીની આગળ ચાલતી ટ્રકની જેનુલ ઓવરટેક કરતો હતો. ત્યારે સામેથી એક મોટર સાઈકલ આવતું હોય જેથી ઈકો ગાડી થોડી સ્પીડમાં હોય જેનુલે ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડની બાજુમાં એક પાણીના કાંસમાં ગાડી ઉતરી ગઈ હતી. ઝાડ સાથે ભટકાઈ કાદવમાં ફ્સાઈ ગઈ હતી.

 ત્યારબાદ ગાડીમાંથી જેનુલ અને તેમનો મોટો દીકરો ગાડીમાંથી બહાર નીકળી ગાડીમાં બેઠેલા પત્ની, દીકરા, દીકરી અને માતાને બહાર કાઢયા હતાં. બધાને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ત્યારબાદ કરજણ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતાં. જ્યાં નઝમાબેનને માથામાં ગંભીર ઇજાઓ થયેલ હોય ડોક્ટરે મરણ જાહેર કર્યા હતાં. પોલીસે અક્સ્માત મોત હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગમખ્વાર અકસ્માતમાં ઇકોકારનો પાછળનો ભાગ સંપૂર્ણ પણે તૂટી ગયો હતો. આ બનાવ દરમિયાન માતા નઝમાબેન ઇકોકારને પાણીની કાંસમાં ખાબક્તાં ડ્રાઇવર સાઇડનો દરવાજો ખૂલી જતાં જ કાંસના પાણીમાં પડી ગયા હતા. જ્યારે દીકરી ફૈઝા ગાડીનો પાછળનો કાચ તૂટી જતાં પાછળના ભાગેથી કાંસમાં પડી ગઇ હતી. જેમા નઝમાબેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી.


  • Follow us on: