કેવડિયા એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. હાલ એકતા પરેડ યોજાઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીનું સંબોધન: ‘દિમાગી નક્સલ’ના ખતરાથી એલર્ટ રહેવાની જરૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે દેશમાં ‘દિમાગી નક્સલ’નો ખતરો હજુ ટળ્યો નથી. સોશિયલ મીડિયાને હથિયાર બનાવી અફવા ફેલાવાઈ રહી છે અને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ભારત વિરોધી તાકતોને ઓળખવાની જરૂર પર ભાર મૂકતાં કહ્યું કે સંવિધાનની મર્યાદા તોડનારાઓથી સાવચેત રહેવું પડશે. હવે દિમાગી નક્સલવાદથી પણ મુક્ત થવાનું છે. દેશવાસીઓએ આ ખતરા સામે એલર્ટ રહેવું જરૂરી છે.
પીએમ મોદીનું સંબોધન: વિપક્ષ હવે અવરોધ પક્ષ બન્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે દેશમાં કેટલીક તાકાતો જૂઠ ફેલાવી અસ્થિરતા સર્જવા માગે છે. દેશવાસીઓની એકતાથી આવી સાજીશો નિષ્ફળ ગઈ છે. તેમણે વિપક્ષ પર પોતાનું કર્તવ્ય ન નિભાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે વિપક્ષ હવે વિરોધ પક્ષ નહીં, પરંતુ અવરોધ પક્ષ બની ગયો છે.
પીએમ મોદીનું સંબોધન: ગરીબ કલ્યાણ સરકારની પ્રાથમિકતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે ભારતમાં આજે ઝડપથી ગરીબી ઘટી રહી છે. ગરીબ કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે. છેલ્લા 12 વર્ષથી ગરીબોને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે દેશના 50 કરોડ લોકોએ ગરીબીમાંથી બહાર આવવાનો માર્ગ મેળવ્યો છે. કરોડો પાકા મકાનોએ ગરીબોના જીવનને સરળ બનાવ્યું છે.
પીએમ મોદીનું સંબોધન: વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે આજનું ભારત પહેલાં કરતાં વધુ સુરક્ષિત બન્યું છે. વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે. દેશની સુરક્ષા, વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
પીએમ મોદીનું સંબોધન: દેશ હવે નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે એકતા આગળ વધવાની શક્તિ આપે છે. એકતા પરેડ અદભૂત રહી હતી. દેશ હવે નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થયો છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સૌએ સાથે મળીને આગળ વધવું જરૂરી છે.
પીએમ મોદીનું સંબોધન: સરદાર પટેલના નિર્ણયોનું ઋણી રહેશે દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલના નિર્ણયોએ દેશને એક કર્યો હતો. દેશ હંમેશા સરદાર પટેલનો ઋણી રહેશે. સરદાર પટેલે ભારતને સુરક્ષિત બનાવ્યું હતું. દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે.
થોડીવારમાં પીએમ મોદીનું સંબોધન
એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન થોડીવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન યોજાશે. તેમના સંબોધન પર સૌની નજર રહેશે.
એકતા પરેડની થીમ ‘નક્સલ મુક્ત ભારત’
એકતાનગર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની આ વર્ષની થીમ ‘નક્સલ મુક્ત ભારત’ રાખવામાં આવી હતી. પરેડ દ્વારા દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવા અને રાષ્ટ્રીય એકતા, શાંતિ તથા સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
એકતાનગરમાં પ્રથમવાર સાંજે એકતા પરેડ યોજાઈ
એકતાનગરમાં નર્મદા મૂર્તિથી એસઆરપી મેદાન સુધી એકતા પરેડ યોજાઈ હતી. આ વખતે પ્રથમવાર પરેડ સાંજે યોજવામાં આવી હતી. અત્યાર સુધી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ સવારે યોજાતી હતી. સાંજે યોજાયેલી પરેડમાં વિવિધ સુરક્ષા દળોની ટુકડીઓએ ભાગ લીધો હતો.
પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે સમર્પિત રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
એકતા પરેડમાં સુરક્ષા દળોની શાનદાર માર્ચ
એકતાનગર ખાતે યોજાયેલી એકતા પરેડમાં એનએસજી, બીએસએફ, પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓએ માર્ચ કરી હતી. સુરક્ષા દળોના જવાનોની શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ માર્ચે પરેડમાં ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા દળોની સમર્પણભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
એકતા પરેડમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક
એકતાનગર ખાતે યોજાયેલી એકતા પરેડમાં દેશના અલગ-અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક જોવા મળી હતી. વિવિધ રાજ્યોના કલાકારોએ પરંપરાગત વેશભૂષા અને લોકનૃત્યો દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કર્યું હતું. પરેડમાં દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
એકતા પરેડનો પ્રારંભ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે એકતા પરેડ શરૂ થઈ છે. પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને અન્ય ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
PM મોદી પરેડમાં ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ઉપસ્થિત રહ્યા છે. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાતી આ ઉજવણીમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાંઓને એકત્રિત કરી ભારતની એકતા અને અખંડિતતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એકતા નગરમાં પ્રવાસીઓ માટે ‘રેઇન ફોરેસ્ટ’નું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ખુલ્લું મૂક્યું છે. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂ.9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’ બનાવાયું છે. વડાપ્રધાને 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. વિવિધ છોડ-વૃક્ષોની વિગતો નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા પાસેથી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતીય વાયુસેનાના 2 હેલિકોપ્ટર દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાને રૂ.400 કરોડથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે એકતાનગર ખાતે આવેલા ‘રેઇન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી.









