ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાઇ ગયો છે. બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે નર્મદાના નીરના વધામણા કર્યા હતા.. મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણાં કરી ગુજરાતની પ્રજાને ખાસ સુચન કરેલું છે કે નર્મદાનું આ પાણી પારસ છે અને આપણે તેનો કરકસર પુર્વક ઉપયોગ કરવો જોઈએ.

 અત્યાર સુધીમાં કુલ 6 વખત ડેમ છલકાયો

નર્મદા ડેમ ૨૦૧૭નાં વર્ષમાં રાષ્ટ્રઅર્પણ કર્યા બાદ, અત્યાર સુધીમાં કુલ 6 વખત - વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫- માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) છે અને આ સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર છે. હાલમાં પાણીની આવક સરેરાશ ૧ લાખ ક્યુસેક છે તેમજ RBPH માંથી ૪૨,૦૦૦ ક્યુસેક તથા CHPH માંથી ૫૦૦૦ ક્યુસેક એટલે કે કુલ પાણીની જાવક ૪૭,૦૦૦ ક્યુસેક છે.

302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન

ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર ૨૦૨૫મા થયેલ છે જે ૧૦૫ કરોડ યુનિટ છે. અત્યાર સુધીમાં કુલ ૬,૮૧૦ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે.

 રાજયની 10 નદીઓ જીવંત કરાઇ

આ ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન ૯૮ MCM (૩૪૩૧ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૮૭૭ તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં ૧૧૪ MCM (૩૯૯૨ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૩૬ તળાવો, ૩૨૫ ચેકડેમ અને ૩૧ ડેમ ભરવામાં આવી રહ્યા છે અને ૧૬૨ તળાવો, ૧૧૦૪ ચેકડેમ અને ૩૦ ડેમ ભરવામાં આવ્યા છે. આમ, સિંચાઈ વિભાગની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પૂરતું પાણી વિતરણ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે નર્મદા બંધનાં ઓવરફલો દરમ્યાન રાજયની ૧૦ નદીઓ જેવી કે પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલ છે.