આગામી જાન્યુઆરીમાં ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે, પરંતુ હજી બે મહિનાની વાર છે ત્યાં જ ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો પકડાયો છે. યાત્રાધામ વડતાલમાંથી ખેડા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો છે.
વડતાલમાંથી પ્રતિબંધિત માલ પકડાયો
ખેડા જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે, યાત્રાધામ વડતાલના દરબાર ચોક નજીક આવેલા કોઠી વાળા ફળીયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે LCB દ્વારા તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
1296 રીલ સાથે એક આરોપી ઝડપાયો
પોલીસે સ્થળ પર દરોડો પાડતા, કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમાર નામના ઇસમના કબજામાંથી ચાઈનીઝ દોરીનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કમલેશ પરમારની ધરપકડ કરી છે અને તેની પાસેથી નીચે મુજબનો માલ જપ્ત કર્યો છે. 27 બોક્સ, કુલ ફીરકી (રીલ) 1296 નંગ, આશરે રૂપિયા 3,88,800 (ત્રણ લાખ, અઠ્યાસી હજાર, આઠસો)
LCB દ્વારા સફળ દરોડો
સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં તહેવારને ધ્યાનમાં રાખીને અગાઉથી જ આ જથ્થો ઘુસાડવામાં આવ્યો હતો. આ ચાઈનીઝ દોરી પર્યાવરણ અને માનવજીવન બંને માટે જોખમી હોવાથી તેના વેચાણ અને સંગ્રહ પર કડક પ્રતિબંધ છે. ખેડા LCB એ કમલેશ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વેપારીઓ સંડોવાયેલા છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.